વડોદરા: શહેરના માંજલપુર ખાતે આવેલ સ્પંદન સર્કલ નજીક પૂરઝડપે આવી રહેલી એસ. ટી. બસ દ્વારા એક બાઈક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઈ હતી. જેમાં સર્કલ ઉપર બાઈકચાલક પસાર થવા જતાની સાથે જ એસ.ટી બસ દ્વારા બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક 30 ફૂટ જેટલો રોડ ઉપર ઢસડાઈ છે. આ મામલે માંજલપુર પોલીસે આરોપી એસ. ટી. બસના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
એસ.ટી બસે ટક્કર મારતા બાઇક ચાલક: જાણવા મળતી માહિતી મુજબ, બાઇક લઈને બાઈક ચાલક સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા, ત્યારે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી રહ્યો હતો, ત્યારે બાઈકને ડાબી સાઈડમાં ટક્કર લાગતા તેને માથાના ભાગે, પગમાં અને શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી.
પુત્રએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઇ રાજેન્દ્રભાઈ પટેલએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, "19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઇ પટેલને પોતાના આધાર કાર્ડમાં જન્મ તરીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નં.17 ખાતે જવા માટે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ 7.50 વાગ્યે મારા મોબાઇલ ફોન ઉપર મારા પિતાના મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઇ અજાણી વ્યક્તિએ મને કહ્યું કે, તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે. જેથી સમાચાર મળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હોસ્પિટલે પહોંચતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા: આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવતી બીજી સરકારી બસે પણ બ્રેક મારવા છતા એની આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી, જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઇજા થઈ હતી. જેથી બાઈક ચાલકને 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ NCOT સર્જરી વિભાગમાં EF યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી માં કેદ: સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી. એસટી બસના ડ્રાઇવર અશોક સીતારામ દલવતની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની આ ઘટનાના CCTV હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ST બસે બાઈક લઈને જઈ રહેલા 53 વર્ષીય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનુ કમકમાટીભર્યું મોત થયું હતું.