વડોદરા: વડોદરા શહેરની દિયા ગોસાઈની આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. પહેલા તો વિદાય લેતા વર્ષમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ સાથે વડોદરામાં મુલાકાત થઈ. હવે તેને PM નરેન્દ્ર મોદીનો ખાસ પત્ર મળ્યો છે.
દિયાએ PMને આપી હતી દોરેલી પેઈન્ટિંગ
ગત 28મી ઓક્ટોબરના રોજ એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી આ તેજસ્વી દિવ્યાંગ છાત્રાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને પેડ્રોના વડાપ્રધાન સાંચેજની છબીઓ ચીતરી અને સુંદર ફ્રેમમાં મઢાવી રોડ શો પસાર થવાનો હતો ત્યાં સ્થાન લઈ લીધું. બંને પ્રધાનમંત્રીઓ એ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીની નજર ચિત્રો સાથે વ્હીલ ચેરમાં બેસેલી દિયા ઉપર પડી. તેઓએ કાફલો થોભાવ્યો અને સ્પેનના પ્રધાનમંત્રીને સાથે લઈ વાહનમાંથી નીચે ઉતરી દિયા પાસે આવ્યા. એની પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી અને એની કળા નિપુણતાની દિલથી પ્રસંશા કરી. આ સમયે મહેમાન રાષ્ટ્રપતિએ પણ અનેરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યસ્તતાઓ વચ્ચે પત્ર પાઠવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને 1લી નવેમ્બર, 2024ના રોજ દિયાના ઘરના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર પાઠવ્યો. દિયા અને પરિવારને પહેલીવાર આવો પત્ર મળ્યો હતો. તેમના માટે પ્રધાનમંત્રીની આ ભાવના અને સૌજન્ય ગદગદિત કરનારું હતું. આ પત્રમાં તેમણે દિયાએ આપેલી મનોહર ચિત્રભેટને અવર્ણનીય આનંદ આપનારી ગણાવી છે. સ્પેનના રાષ્ટ્રપતિ ચિત્રભેટથી ખૂબ ખુશ થયા એનો ઉલ્લેખ કર્યો છે. દિયાએ આ ચિત્ર નથી દોર્યું પરંતુ સ્પેનના લોકો માટે આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો છે એવી લાગણી દર્શાવી છે.
દિયાની ચિત્રકળામાં એક ઉમદા કલાકારની છબી ઉભરી આવે છે એવી પ્રસંશા સાથે જણાવ્યું છે કે નાની વયે અસાધારણ પ્રતિભા અને ઈશ્વરદત્ત કૃપા અનહદ આનંદ આપે છે. ગુજરાતનો યુવા વર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ખાત્રી કરાવે છે એવી લાગણી, દિયાના દ્રષ્ટાંતને ટાંકીને એમણે વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા પેઢીને પ્રોત્સાહિત કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં આપણો યુવા વર્ગ અગ્રણી ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે ભારતની વિકાસ યાત્રામાં મહત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનવાની ભાવના દર્શાવી છે. આ પત્રમાં દેશના જન જનના ઉત્કર્ષ અને કલ્યાણની ખેવના હૃદયમાં રાખીને કર્મયોગ કરતા સાધક પ્રધાનમંત્રીએ દિયાને ખંત અને મહેનતથી સર્જન અને લલિતકલાના ક્ષેત્રોમાં પ્રદાન કરતા રહેવા પત્રમાં પ્રોત્સાહિત કરી છે. દિયાની લાગણી અને આકર્ષક ચિત્ર ભેટ માટે પત્રના અંતે ફરીથી ધન્યવાદ આપ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ સૌથી મોટી ખૂબી છે. સર્વોચ્ચ પદ પર રહીને તેઓ અદનામાં અદના માણસ સાથે, છેવાડાના માનવીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો, સમાજને પ્રદાન કરનારાઓ, વિજ્ઞાનીઓ, સેનાના જવાનો, સૌની સાથે સીધું અનુસંધાન સાધી શકે છે. મન કી બાતના માધ્યમથી નિસ્વાર્થ ભાવે કામ કરતા કર્મયોગીઓને તેઓ ઉજાગર કરે પછી દેશ એની નોંધ લે છે. દિયાને પિતૃ વત્સલ પ્રધાનમંત્રીએ પાઠવેલો શુભેચ્છા પત્ર એ કાગળ પર અંકિત શબ્દો નથી સ્નેહ સંદેશ છે.
દિવ્યા ચિત્રકાર તરીકે ઘડાઈ
તા.28 મી ઓક્ટોબરના રોજ આ દીકરી અને તેના પરિવારે સપનામાં કલ્પના ન થાય એવી વાસ્તવિકતાની આનંદ અનુભૂતિ કરી. દિયા ગોસાઈ શારીરિક મર્યાદાઓને ભૂલીને એક આશાસ્પદ ચિત્રકાર તરીકે ઘડાઈ રહી છે. શિક્ષણની સાથે તેની કલા કુશળતા ચિત્રકારીમાં સોળે કળાએ ખીલી રહી છે. તે હાલ એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: