વડોદરા : વડોદરા જિલ્લાના પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બ્લાસ્ટ સમયે કામદારો કામ કરી રહ્યા હતાં. જે પૈકી ત્રણ કામદારના મોત થયા છે. પરંતુ એક કામદાર ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળતી માહિતી મુજબ કંપનીમાં ક્યાંક ને ક્યાંક ગેસ લીક થયો હોવાને કારણે આ બ્લાસ્ટ સર્જાયો હતો.
મૃતકોના નામ : ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં માર્યાં ગયેલા કામદારોમાં (૧). ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર (૨). નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી અને
(૩).રમેશભાઈ ગણપતભાઈ પઢીયારનો સમાવેશ થાય છે.
એક કામદાર ગંભીર ઇજાગ્રસ્ત : સમગ્ર ઘટના બનતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને પોલીસ તેમજ 108ને જાણ કરાતા પાદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 108 મારફતે સારવાર અર્થે વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા હતાં. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક કામદારની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સેફટી અંગે ચર્ચા : વડોદરા શહેર અને જિલ્લામાં વારંવાર બ્લાસ્ટ થવાના અનેક બનાવો બનતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની સતર્કતા અભાવને કારણે આ નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે. એટલું જ નહીં પરંતુ આજે પાદરા નજીક બનેલી ઘટનામાં પણ આ કંપનીમાં સેફ્ટીના કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં જે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે તંત્ર તાતી તપાસ કરે તેવી લોકમાં ગોઠવા પામી છે.
અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં : પાદરા નજીક અક્કલબારા ગામ પાસે થયેલા બ્લાસ્ટના ખબર મળતાં અને કામદારોના મોતના સમાચારના પગલે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા, મામલતદાર સહિતના અધિકારી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં.