વડોદરાઃ કરજણ નજીક વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કરજણ પોલીસ મથક વિસ્તારમાં ભરથાણા ટોલનાકા પાસે ભરૂચથી વડોદરા તરફ શંકાસ્પદ ટ્રકને કોર્ડન કરી તેની જડતી લેવામાં આવી હતી. આ ટ્રકમાંથી 5900થી વધુ બોટલનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.17.85 લાખથી વધુ છે.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ભરથાણા ટોલનાકા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ સમયે એક ટ્રક શંકાસ્પદ જણાતા તેને કોર્ડન કરી તેની જડતી લેવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અજય મારૂતી (રહે. આબેગાવ,પૂણે,મહારાષ્ટ્ર)ની પોલીસે પુછપરછ કરી હતી. પુછપરછમાં ડ્રાઈવરે ગલ્લા તલ્લા શરુ કર્યા હતા. પોલીસે ટ્રકમાંથી 5900થી વધુ બોટલનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ટ્રકમાંથી પોલીસે અંદાજિત 18 લાખ કરતા વધુનો દારુ ઉપરાંત જીપીએસ ટ્રેકર અને મોબાઈલ પણ મળી આવ્યા હતા.
પોલીસ કાર્યવાહીઃ દારુનો જથ્થો ઝડપી લીધા બાદ આ ગુનો કરજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલા વિનાયક ટ્રાન્સપોર્ટના રામદાસ પાસેથી દારૂ ભરેલી ગાડી મેળવી હતી. જે તેને કરાડ કૃષિ ઉતપન્ન સમીતીના પાર્કિંગમાંથી સોંપવામાં આવી હતી. આ દારૂનો જથ્થો જામનગર પહોંચાડવાનો હતો. તેમજ ડ્રાઈવરને વડોદરા પસાર કર્યા બાદ નેશનલ હાઈવે પર ટ્રક પાર્ક કરવાની હતી. જો કે આ પહેલા જ આ માલ ઝડપાઈ ગયો હતો. જેથી બુટલેગરનો પ્લાન ચોપટ થઈ ગયો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના દારૂનો વેપલો ચાલી રહ્યો છે. આ વેપલો કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે તે ચર્ચા એ વેગ પકડ્યું છે.
ગત રાત્રિએ વડોદરા કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ ટ્રક MH 14 HG- 2990 અશોક લેલન્ડ ભરૂચ થી વડોદરા તરફ પસાર થઈ રહી હતી. આ ટ્રકની જડતી લેતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરીને પોલીસ આગળની તપાસ કરી રહી છે...કૃણાલ પટેલ(પીઆઈ, વડોદરા એલસીબી)