વડોદરા : હરણી તળાવ દુર્ઘટનામાં મુખ્ય આરોપી પરેશ શાહને આખરે પોલીસે દબોચ્યો છે. મળતી માહિતી અનુસાર પરેશ શાહ વકીલને મળવા માટે બસમાં વડોદરા આવી રહ્યો હતો. આ દરમિયાન વડોદરા પોલીસે પરેશ શાહનો થપ્પો કર્યો હતો. વડોદરા હરણી તળાવમાં બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા.
આરોપી પરેશ શાહ ઝડપાયો : વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જતા 12 નાદાન બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના ક્ષમતાથી વધુ લોકોને બોટમાં બેસાડતા સર્જાઈ હતી. જેનો મુખ્ય આરોપી પરેશ શાહ કોઈને ખબર ન પડે એ માટે વકીલને મળવા માટે બસમાં વડોદરા આવી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પરેશ શાહ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.
હરણી તળાવ દુર્ઘટના : 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવમાં દુઃખદ બનાવ બન્યો હતો. હરણી તળાવમાં બોટ પલટી જતા 14 લોકોનું ડૂબી જવાથી મોત થયા છે. જે પૈકી 12 બાળકો હતા. આ બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો, તેણે કોઈ અન્યને પેટા કોન્ટ્રાકટ આપ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે. જે ઘટના સમયે પોલીસને થાપ આપી ફરાર થયો હતો. પરંતુ પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે.
કોન્ટ્રાક્ટરોની લાલીયાવાડી : જાણવા મળતી માહિતી મુજબ કોટિયા પ્રોજેક્ટ દ્વારા PPP ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. એવું કહેવાય છે કે પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે. પરેશ શાહે ફન ટાઈમ અરેના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. એટલે આ પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટ અને એના પેટા કોન્ટ્રાક્ટ અને એના પેટા કોન્ટ્રાકટ કરીને મોટા માથાઓએ બીજાને સામેલ કર્યા હતા.