વડોદરા: હરણી લેકઝોન બોટકાંડમાં 4 આરોપી ફરાર હતા. તે પૈકી એક આરોપી ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. ધર્મિન ભટાણી જે સમગ્ર ઘટના બનતાં સિંગાપોર અને બેંગકોક તરફ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે તેના બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા આર્થિક ભારણ આવી પડ્યું, જેથી તેને પરત આવવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
ઘટનાના દિવસે જ વિદેશ ફરાર થઈ ગયો હતો: 18 જાન્યુઆરીએ સાંજે ઘટના બનતા રાત્રિના સમયે 11 વાગ્યાની ફ્લાઇટથી જ ધર્મિન ભટાણી સિંગાપોર તરફ ફરાર થઈ ગયો હતો. આ દરમિયા ધર્મિન ભટાણીના બેંક, ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડની વિગતો મંગાવવામાં આવી હતી અને તેના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેથી તેની ઉપર તપાસનું દબાણ વધતા આજે ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ ઉપર આવતાં જ ઇમિગ્રેશન અધિકારીઓએ વડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી અમદાવાદ એરપોર્ટ ઉપર જઇને તેને દબોચી લીધો હતો. અત્યાર સુધીમાં જે 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તે તમામ 20 આરોપી ઝડપાઈ ગયા છે.
'હરણી બોટ દુર્ઘટના કેસમાં ધર્મિન ભટાણી ઘરપકડથી નાસતો- ફરતો હતો. પોલીસની વિવિધ ટીમો તેની શોધખોળ કરી રહી હતી. પોલીસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી કઢાવતાં તે સૌપ્રથમ સિંગાપોર અને ત્યાર બાદ થાઈલેન્ડ ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ટેકનિકલ ઇનપુટ અને નિવેદનોમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટી મળી હતી. જેથી પોલીસે વિદેશ તરફ શોધખોળ હાથ ધરી હતી. ટેકનોલોજી અને પોલીસ ટીમની સુઝબુઝથી આખરે આરોપીને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.' - યુવરાજસિંહ જાડેજા, ડીસીપી ક્રાઇમ, વડોદરા
બેંક ખાતા ફ્રીઝ થઇ જતાં પરત ફર્યો: યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે હરણી લેકઝોન બોટ દુર્ઘટના બનતા જ રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટમાં ધર્મિન સિંગાપોર જવા રવાના થઈ ગયો હતો. તેની ઉપર સતત દબાણ વધતાં અને તેના બેંક ખાતા ફ્રીઝ થઇ જતા તેને ભારત પાછું આવવું પડ્યું હતું. ધર્મિન ભટાણી કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકા પાર્ટનર હતો અને ઝીપ લાઇનનો પણ તેનો અલગ કોન્ટ્રાક્ટર હતો. ધર્મિન વત્સલની સાથે સાઇનિંગ ઓથોરાઇઝ હતો. જેથી વત્સલને સાથે રાખીને તેની પૂછપરછ કરીશું.
આરોપી ધર્મિનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે: ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહની પોલીસે ધરપકડ કરી હતી. આજે ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે વત્સલ શાહના 6 દિવસ અને વૈશાખી શાહ અને નૂતન શાહના 4-4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્રણેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે. ત્યારે છેલ્લો આરોપી ધર્મિન ભટાણી પણ આજે પકડાઈ ગયો છે. આવતી કાલે તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે આ ચારેયના રિમાન્ડ બાદ આ કેસ કઈ દિશા તરફ વળાંક લે છે.