વડોદરાઃ 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ એક્સિડેન્ટ થયો હતો. આ દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો એમ કુલ 14ના મૃત્યુ થયા હતા. આ કેસમાં પોલીસે 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં વધુ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી લેતા હવે કુલ 19 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે.
પોલીસ રીમાન્ડમાં ખુલાસાઃ પોલીસ સૌ પ્રથમ લેકઝોનના મેનેજર, બોટ ચાલક સહિત 6ની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યાં હતા. પોલીસ રીમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થયા. સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું કે હરણી લેકઝોનનુ સંચાલક ખરેખર કોણ કરતું હતું અને કંઈ રીતે આખો વહીવટ ચાલતો હતો. પોલીસે 20 જેટલા જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરી 16ની અટકાયત કરી હતી. જેમાં બાકીના 4 ભાગેડુઓ પૈકી 3ની અટકાયત કરવામાં આવી છે. જેમાં વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહનો સમાવેશ થાય છે.
3 આરોપીઓની 20 ટકાની ભાગીદારીઃ કોટીયા પ્રોજેક્ટસના ભાગીદાર વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહને પોલીસ મિલ્કતો ટાંચમાં લેવાની હોવાની જાણ થઈ હતી. આ જાણ થતાં નૂતન શાહની તબિયત બગડી અને તેઓ તબીબી સારવાર માટે વડોદરા આવી રહ્યાં હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી ત્રણેયને દેણા ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં શાહ પરિવારની કોન્ટ્રાક્ટની આવકમાં કુલ 20 ટકા ભાગીદારી હોવાનું બહાર આવ્યું છે.
કરાર અને એના પેટા કરારઃ 2016-17માં હરણી લેકઝોનનો ડેવલ્પેન્ટ પ્રોજેક્ટ કોટીયા કંપનીને પીપીપી ધોરણે આપવામાં આવ્યો હતો. જે અનુસાર સમગ્ર લેકઝોનનું સંસાલન કોટીયા કંપનીએ કરવાનું હતું. જો કે કોટીયા કંપનીએ બારોબાર નિલેશ જૈનની ડોલ્ફીન એન્ટરટેઇન્મેન્ટ કંપની સાથે કરાર કરી લીધો હતો. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને તેમની શોધખોળ હાથ ધરી હતી. એક બાદ એક તમામ મોટા માથાઓ પકડાયા અને પોલીસે તેમના રીમાન્ડ પણ મેળવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં પોલીસે ધરપકડ કરેલા કુલ 16 આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તમામને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ભાગીદારીના આંકડાઃ કોટીયા પ્રોજેક્ટ્સના નામે શરૂ કરવામાં આવેલા હરણી લેકઝોન પ્રોજેક્ટમાં વર્ષ 2017માં વત્સલ શાહની 10 ટકા ભાગીદારી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ વર્ષ 2018માં પરેશ શાહના પરિવારના અન્ય સભ્યો નૂતન પરેશ શાહ અને વૈશાખી શાહની 5-5 ટકાની ભાગીદારી કરવામાં આવી હતી. કુલ ભાગીદારો 20 ટકા અને સમગ્ર સંચાલન પણ પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા. આ ઉપરાંત ઓથોરિટી સીગ્નેચરમાં પણ વત્સલ શાહની એક જ સહી બેન્કીંગ વ્યવહારોમાં રાખવામાં આવી હતી.
બોટનો બોયાન્સી કેપેસિટી ટેસ્ટ કરાયોઃ હરણી લેકઝોન દુર્ઘટના કંઈ રીતે બની તે અંગે ઉડી તપાસ કરવા માટે પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે હરણી લેકઝોન ખાતે ફોરેન્સીક ટીમ, બોટ મેન્યુફેચરરના પ્રતિનિધીઓ તેમજ ફાયર બ્રિગેટની ટીમની હાજરીમાં બોયાન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બોયાન્સી ટેસ્ટમાં બોટમાં મુસાફરોની ક્ષમતા, બોટની તરવાની ક્ષમતા અને કેટલું વજન બોટ ઝીલી શકે છે તેવા પાસાની ચકાસણી કરવામાં આવી હતી.
12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોતના જવાબદારો દુર્ઘટનાના સમયે વડોદરામાં હાજર હતા. ચોંકાવનારી વાતતો એ છે તે, પરેશ શાહ અને વત્સલ શાહ પણ હરણી ખાતે હાજર હતા. પરંતુ ઘટના ગંભીરત બનતા લેકઝોનના તમામ ભાગીદારો ફરાર થઈ ગયા હતા. જેમાં વત્સલ, નૂતન અને વૈશાખી શાહ વડોદરા છોડી રાજસ્થાન ફરાર થઈ ગયા અને છેલ્લા 4 દિવસથી ભરૂચ ખાતે આશરો લઈ રહ્યાં હતા. આ ભાગેડુઓને આશરો આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે...પન્ના મોમાયા(ડીસીપી, વડોદરા)