વડોદરા: ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મના બનાવો વધતા જાય છે ત્યારે ડભોઇ વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બેકાર બેસી રહેતા તેમજ નશામાં ધૂત રહેતા સાવકા પિતાએ ઘરમાં એકલી દીકરી ઉપર દાનત બગાડી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
માતાએ ઉચ્ચ અધિકારીઓને કરી ફરિયાદ
ડભોઇ વિસ્તારમાં દુષ્કર્મનો વઘુ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં માતાએ વડોદરા DSP કચેરીમાં રજૂઆત કરતા ડભોઇ પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. જેથી ડભોઇ પોલીસે આ દુષ્કર્મી સાવકા પિતાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ડભોઇ વિસ્તારમાં રહેતી મહિલાના સંતાનમાં ત્રણ બાળકો હતા. જેમાં પતિના અવસાન બાદ મહિલા પોતાના સંતાનો સાથે તેમના ભાઇના ઘરે રહેતી હતી. જે દરમિયાન તેમના વિસ્તારમાં જ લાલાભાઈ નામના એક શખ્સની પણ પત્ની મરણ પામી હોવાથી મહિલા સાથે આ શખ્સ રહેવા લાગ્યો હતો. છેલ્લા સાત વર્ષથી સાવકા પતિ સાથે રહેતી શ્રમજીવી મહિલા પોતાનું ગુજરાન ચલાવવા ડભોઇથી વડોદરા લોકોના ઘર કામ કરવા અર્થે જતી હતી.
સાવકો નશામાં ધૂત પિતા હંમેશા ઘરે જ રહેતો
પરંતુ મહિલાનો પતિ દારૂના નશામાં ચૂર થઈને ઘરમાં જ પડ્યો રહેતો હતો. મહિલાના અન્ય બાળકો સ્કૂલમાં હોય તથા તે પોતે કામ ઉપર જાય ત્યારે સાવકો પિતા મોટી દીકરીને ત્રણેક માસથી ધમકીઓ આપી અવારનવાર પોતાની વાસનાનો શિકાર બનાવી દીકરી પર દુષ્કર્મ ગુજારતો હતો.
મોટી દિકરીએ માતા સમક્ષ વેદનાં રજૂ કરી
જ્યારે ત્રણ દિવસ અગાઉ પણ બપોરે ઘરમાં ખાટલા ઉપર સુઇ રહેલી 19 વર્ષીય દિકરી ઉપર સાવકા પિતાએ દાનત બગાડીને બળજબરી કરી પોતાની હવસ સંતોષી હતી. બપોરના સમયે માતા કામ ઉપરથી ઘર પરત ફરી હતી. ત્યારે માતા સામે દિકરી રડવા લાગી હતી. જેથી માતાએ દીકરીની પુછપરછ કરતા સાવકા પિતાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
પોલીસ વડાને રજૂઆત બાદ નોંધાઈ ફરિયાદ
સમગ્ર ઘટનામાં મહિલાએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમા જઈ ફરિયાદ માટે રજૂઆત કરી હતી. પરંતુ ડભોઇ પોલીસે ફરિયાદ નોંધી ન્હોતી. જેથી મહિલાએ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં રજૂઆત કરતા ડભોઇ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી સાવકા પિતાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો: