વડોદરા : શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે ગત 8 જુલાઇના રોજ અમેરિકામાં નિધન થયું હતું. આ સમાચાર મળતા જ કાર્યકર્તાઓમાં શોક છવાઈ ગયો હતો. તેમના મૃતદેહને અંતિમવિધિ માટે અમેરિકાથી વડોદરા વતને લાવવામાં આવ્યો હતો.
ચિરાગ ઝવેરીનું નિધન : ગત આજે 8 જુલાઇના રોજ ચિરાગ ઝવેરીનું નિધન થયાના આઠમાં દિવસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. આ ક્ષણે આખા માંજલપુર ગામ સહિત અનેક રાજકીય પક્ષના આગેવાનો અને સ્નેહીજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જે બાદ ભજન મંડળી સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. માંજલપુરના મંગલેશ્વર મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ચિરાગ ઝવેરીના અંતિમ સંસ્કાર : વર્ષોથી લોકો સાથે જોડાયેલા ચિરાગ ઝવેરીએ પોતાના ગામ માંજલપુરમાં આગવી છાપ ઊભી કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પરથી તેઓ કોર્પોરેશનની ચૂંટણી જીતતા આવ્યા છે. આજે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સમર્થકો, રાજકીય પક્ષના આગેવાનો સહિત સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતિમ દર્શને સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળી રહ્યાં હતાં.
વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતા : ચિરાગ ઝવેરીનો જન્મ 17 ઓગસ્ટ, 1957 માં થયો હતો. કોંગ્રેસમાંથી છેલ્લા 33 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા હતા. 1993માં ડેપ્યુટી મેયર અને વિપક્ષના નેતા બન્યા હતા. તેમના નિધનથી સમર્થકો અને રાજકીય મોરચે શોક છવાઈ ગયો છે. થોડા સમય પૂર્વે જ ચિરાગ ઝવેરી પરિવાર સાથે સાઉથ અમેરિકા ગયા હતા. ત્યાંથી તેઓ મિત્રો સાથે ટાપુ ઉપર ફરવા ગયા હતા. સવારે તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
માંજલપુરના વિકાસનો પર્યાય : કોંગ્રેસ શહેર અધ્યક્ષ ઋત્વિજ જોષીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, કોંગ્રેસ પરિવારના બહુ મોટા નેતા અને કોંગ્રેસમાં ખોટ ન પૂરી શકાય તેવા ચિરાગ ઝવેરીના નિધનથી વડોદરા શહેર અને ખાસ માંજલપુર વિસ્તારે જાણે પુત્ર ગુમાવ્યો હોય અને માંજલપુર અનાથ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આગવી સૂઝબૂઝ ધરાવતા નેતા આજે આપણી વચ્ચે નથી રહ્યાં. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિકાસના કામો ખૂબ જ સારી રીતે દેખાઈ રહ્યા છે, જે તેઓના કારણે છે. કોંગ્રેસ પરિવારમાં પૂરી ન શકાય તેટલી મોટી ખોટ પડી છે.
ભાજપ પક્ષે શોક વ્યક્ત કર્યો : વિપક્ષ નેતા ચિરાગ ઝવેરીના નિધનને લઈને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, વડોદરા શહેરનું એક આગવું વ્યક્તિત્વ કે જે પોતાના વિસ્તારને 35 વર્ષ સુધી સંભાળે અને કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં પણ વડોદરા શહેરની ચિંતા કરી છે. તેઓના નીખરતા સ્વભાવના કારણે ન માત્ર આ વિસ્તારમાં, પરંતુ આખા વડોદરા શહેરના રાજકીય પક્ષોના અગ્રણીઓ સાથે સીધા સંબંધ રહ્યા છે. વડોદરા શહેર ભાજપ દ્વારા પણ તેઓના નિધનને લઇ શોક વ્યક્ત કરીએ છીએ. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.