વડોદરા: વડોદરા નજીક આવેલા કોયલી ગામમાં IOCL રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 2 થી 4 કિમી દૂર રહેતા પરિવારોએ પણ તેની ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જેને પગલે આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. આ વિસ્તાર સાયરનથી ગુંજી ઉઠ્યું. કોયલીમાં રીફાઇનરી સહિતની અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. બ્લાસ્ટની ઘટના બાદ ગ્રામજનો ભારે ઉચાટની લાગણી અનુભવી રહ્યા છે. ઘડાકાની તિવ્રતાને જોઇને સ્થાનિકોમાં ભારે ભયની લાગણી વ્યાપી જવા પામી છે.
આગ બાદ લોકોને બચાવ કામગીરી શરૂ
વડોદરાના કોયલી ગામમાં ઇન્ડિયન ઓઇલ ઇન્કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં વિસ્ફોટને પગલે સ્થળાંતર અને બચાવ કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા વચ્ચે રિફાઇનરીમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં કોઈ જાનહાનિ કે લોકોને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
બપોરે સ્ટોરેજ ટાંકીમાં આગ લાગી
આ અંગે કંપનીની યાદીમાં જણાવાયું કે, વડોદરામાં આજે રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટાંકી (1,000 KL ક્ષમતા)માં બપોરે 3:30 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. રિફાઈનરીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિયપણે પરિસ્થિતિનો સામનો કરી રહી છે. જેમાં હાલમાં ફાયર વિભાગની કામગીરી ચાલી રહી છે. આગને કાબુમાં લેવા માટે નજીકમાં પાણીના છંટકાવની સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારા કર્મચારીઓ અને આસપાસના સમુદાયોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રિફાઇનારીની કામગીરી હાલ સામાન્ય છે.
આગની ઘટનામાં જાનહાનિની જાણકારી નહીં
તો DCP ટ્રાફિક પોલીસ, જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, "રિફાઈનરીમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અમારી પાસે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજાઓ કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. ઓપરેશન આગળ વધતા જ અમને જાનહાનિ વિશે જાણ થઈ જશે. રૂટ પર ટ્રાફિકની અવરજવર ઓછી છે તેથી અમારે કંઈ ડાયવર્ઝન કરવાની જરૂર નથી."
આ પણ વાંચો: