ભાવનગર: જ્યોતિષ ક્ષેત્રે ગ્રહોની અસર જોવા મળતી હોય છે, ત્યારે આગામી મકરસંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યનું આગમન થતું હોય છે. જ્યોતિષ ક્ષેત્રે તેનું દાન પુણ્ય, પૂજા અને મકર રાશિમાં સૂર્યનું ભ્રમણ રાશિઓ માટે કેવું રહેશે ? આ વિશે જ્યોતિષી કિશનભાઈએ માહિતી પૂરી પાડી હતી
સૂર્યનું 14 તારીખે મકરમાં કેટલા કલાકે આગમન
જ્યોતિષી કિશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સવંત 2081 પોષ એકમને મંગળવાર તારીખ 14મી જાન્યુઆરી 2025ના દિવસે સવારે 8:00 કલાકને 55 મિનિટે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે તેટલે એને સૂર્યસંક્રાંતિ પણ કહેવાય છે, જેને મકરસંક્રાંતિ પણ કહેવાય છે. તે દિવસે દાન પણ કરવાનો પુણ્યકાર સવારે 8:55 મિનિટથી સૂર્યાસ્ત સુધી છે.
મકરમાં આવતા સૂર્યદેવનું કેવું સ્વરૂપ
જ્યોતિષી કિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું સ્વરૂપ થોડું દેહ છે, ચારભુજા છે, લાલ નેત્ર છે, લાંબા કાન છે અને ઋન્ડની માળા પહેરીને તેનો પ્રવેશ થાય છે, તે સંક્રાંતિનું મુખ્ય વાહન વાઘ છે, જ્યારે ઉપવાહન ઘોડો છે, પીળું વસ્ત્ર છે, તિલક કેસર છે, જાતિ સર્પ છે, વાળના મોહધરી છે અને દૂધપાકનું ભક્ષણ કરે છે.
શું આરોગવું, શુ દાન કરવું ?
કિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ દિવસે સવારે દૂધપાક અથવા તો સફેદ વસ્તુ દાન કરવાથી દરેક રાશિઓના જાતકનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ફળદાયી બની રહેશે. સૂર્યની મકરસંક્રાંતિના દિવસે શિવજીના મંદિરે તલના તેલનો દીવો કરવો. તલ અને ચોખા વડે શિવજીની પૂજા કરવી અને તે દિવસે પાણીમાં કાળા તલ ઉમેરીને પણ સ્નાન કરવું એ પણ પોતાના આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. તલનું દાન કરવું તથા કાળા તલનો હોમ કરવો, તલને આરોગવા જેથી આગળના ભવિષ્યમાં આગળના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહે.
રાશિ પ્રમાણે દાન પુણ્ય અને પૂજા
કિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાશિ પ્રમાણે દાન જોવા જઈએ તો મેષ, સિંહ અને ધન રાશીના જાતકોએ કાળી વસ્તુનું દાન આપવું. જેમ કે કાળુ કાપડ, કાળા અડદ, કાળા તલ, કાળા તલનું તેલ, લોખંડનું વાસણ તથા રોકડ દક્ષિણા. આમાંથી કોઈ પણ વસ્તુ બ્રાહ્મણને દક્ષિણામાં આપી અથવા શિવજીના મંદિરે ધરવી.
વૃષભ, તુલા અને મકર રાશિના જાતકોએ લાલ વસ્તુનું દાન આપવુ જેમ કે લાલ કાપડ, ઘઉં, લાલ તલ, તાંબાનું વાસણ, તેલ તેમજ રોકડ દક્ષિણા.
મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સફેદ વસ્તુઓનું દાન આપવું, જેમ કે સફેદ કાપડ, સફેદ તલ, ચોખા, ઘી, ખાંડ,ચાંદી તથા સ્ટીલના વાસણનું દાન આપવું.
કર્ક, કન્યા અને કુંભ રાશીના જાતકોએ પીળી વસ્તુનું દાન આપવું. જેમ કે પીળું કાપડ, ચણાની દાળ, સોનું પિતળના વાસણ તેમજ રોકડ દક્ષિણા દાન આપવું જોઈએ.
(ખાસ નોંધ: ઉપરોક્ત સમગ્ર માહિતી જ્યોતિષી કિશનભાઈ જોશીએ પુરી પાડી છે, ઈટીવી ભારત અંધશ્રદ્ધાને સ્થાન આપતા નથી)