રાજકોટ: ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝા પ્રોજેક્ટ અધિકારી દ્વારા એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં 9 જેટલા ઈસમોના નામ હતા. આ ફરિયાદ બાદ સામા પક્ષે પણ 1 ઈસમ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આમ બંને પક્ષો દ્વારા નોંધાયેલ આ પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ અધિકારી દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોવાના તેમ જ બદનામ કરવાના કારસો કર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
પત્રકાર પરિષદ યોજી ખુલાસો અને આક્ષેપ કરાયાઃ અહિયાં જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાય છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈપણ પ્રકારની લેનદેન કે છેડા અડતા ન હોવાની રજૂઆત કરાઈ છે. આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈપણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે. ડુમીયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
કરાર આધારિત જગ્યા રાખવામાં આવીઃ અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી છે. આ અંગે લગાવવામાં આવેલા આક્ષેપો અને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ષડયંત્ર તાજેતરમાં યોજાનાર ચૂંટણીમાં બદનામ કરવાના ઈરાદાથી રચવામાં આવ્યું હોવાની રાવ થઈ છે.
ક્રોસ ફરિયાદઃ આ મામલે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા. તે સંચાલકની જગ્યા પર હતા. જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઈઝરને બોલાવેલ હતા. ત્યાં બબાલ અને ઝપાઝપી પણ થઈ હતી. જેમાં એક વ્યક્તિને હાથમાં ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે કોઈ માહિતી આપી નથીઃ ઉપલેટા પોલીસે બન્ને પક્ષો દ્વારા સામસામે દાખલ કરવામાં આવેલ પોલીસ ફરિયાદ નોંધી છે. આ બનાવમાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી કે વિગતો જાહેર કરવામાં નથી. પોલીસે કોઈની અટકાયત કરી નથી. જોકે આ મામલામાં સત્ય કોણ અને જૂઠ કોણ તે તો પોલીસની ખરી તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થાય તેની રાહ જોવાઈ રહી છે.
મને ખુદને ખબર નથી કે ઘટના શું બની છે. મેં સવારે છાપામાં મારુ નામ જોયું. મને બદનામ કરવાના ઈરાદે મારુ નામ પોલીસ ફરિયાદમાં નોંધ્યું છે...ભાવેશ સુવા(શિક્ષક, ઉપલેટા)
રાત્રે 1 કલાકે મને ફોન કરીને ઘટના સ્થળે બોલાવેલ. જેમાં કંપનીએ એક વાડી ભાડે રાખેલ છે. અમારી ઓફિસ પણ ત્યાં જ છે. આ લોકો શા માટે અમારી પાસે ગાડીઓ લેવા માટે આવ્યા તે જ ખબર નથી...જયસુખ બરાઈ(સેફ્ટી સુપરવાઈઝર, અશોકા કંપની, ઉપલેટા)
મને વાડીએ ધાકધમકી આપવામાં આવી હતી. બીજા દિવસે મને હાથમાં દુખાવો થતાં મેં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી હતી...જગુ સુવા(સામા પક્ષના ફરિયાદી, ઉપલેટા)