રાજકોટ: ઉપલેટા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમમાં લાભાર્થીઓને તેમના આવાસની ચાવીઓ સોંપવામાં આવી હતી અને તેમને મળેલા લાભ અંગેના અભિપ્રાયો જાણ્યા હતાં.
ઉપલેટામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનો લોકાર્પણ કાર્યક્રમ વિનય મંદિર શાળાના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમને લઈને પદાધિકારીઓમાં અંદરો-અંદર નારાજગી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સ્થાન નહીં મળતા કે તેમને યોગ્ય જગ્યા અને પ્રોટોકોલ મુજબનું સ્થાન નહીં મળતા તેઓ નારાજ થયાં હતાં. તો બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને પણ યોગ્ય સ્થાન કે માન સન્માન અને જગ્યા નહીં મળતા તેમણે પણ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં યોજાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનો લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ કાર્યક્રમની અંદર ઘણી ખરી અવ્યવસ્થા પણ સર્જાય હોવાનું પણ સામે આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોને પીવાના પાણી માટેના પણ ફાંફા પડી ગયાં હતાં. એટલું જ નહીં લોકોએ ભોજન માટે પડાપડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ કાર્યક્રમની અંદર મન દુઃખ તેમજ વિવાદ ઉપર વિવાદ સર્જાઇ રહ્યા હોવાનું પણ જણાયું છે. ત્યારે પ્રોટોકોલ મુજબ જગ્યા નહિ મળતા કે સ્થાન નહીં મળતા ઘણા ખરા પદાધિકારીઓએ કાર્યક્રમ માંથી ચાલતી પકડી હતી. જો કે આ બાબતને લઈને નારાજ થયેલા પદાધિકારીઓ આવતા દિવસોની અંદર યોગ્ય રજૂઆત ફરિયાદ કરશે તેવી પણ વિગતો સામે આવી છે.