જૂનાગઢ: ગઈકાલથી જ વાતાવરણમાં અચાનક અને અનિશ્ચિત ફેરફાર જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વંટોળ સાથે વરસાદ થયો હતો અને મોડી રાત્રે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની જેમ વંટોળ ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીની સિઝનમાં વંટોળ અને વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો પોતાના કેરીના પાકને બચાવવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.
વંટોળે ખેડૂતોની ચિંતા કર્યો વધારો: ગઈકાલથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ખાસ્સો ફેરફાર જોવા મળ્યો હતો અને વાવાઝોડાની માફક ભારે વંટોળની સાથે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે મોડી રાત્રે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વંટોળ ફૂંકાયો હતો. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ગીર પંથકમાં આ સમય દરમિયાન પ્રખ્યાત કેસર કેરીની સીઝન ચાલી રહી છે. આવા સમયે ખેડૂતોને વંટોળ અને વરસાદથી પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ગઈકાલે જે રીતે વંટોળ ફૂંકાયો હતો. તેની ચિંતા ખેડૂતોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એટલે આજે સવારમાં જ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના કેરીના પાકને લઈને જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે.
ખેડૂતોને નુકસાનની આશંકા: ગીર પંથકમાં હજારો આંબાવાડીઓમાં પરંપરાગત રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીની ખેતી થાય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષો દરમિયાન પ્રતિકૂળ હવામાન અને ચોમાસા પૂર્વે આવતા વંટોળ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે તોકતે વાવાઝોડામાં હજારો આંબાવાડીયામાં કેરીના પાકને નુકસાન પહોચ્યું હતું. આ વર્ષે વૈશાખ મહિનામાં જાણે કે, અષાઢી માહોલ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું.
રાત્રે પ્રચંડ પવન ફૂંકાયો: રાત્રિના સમયે પ્રચંડ વેગ સાથે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો જેના લીધે ખેડૂતોને ચિંતા થઇ છે કે, આગામી 15મી જૂન સુધી કેરીની સિઝન ચાલી શકે તેવી સ્થિતિ હતી પરંતુ વરસાદ અને વંટોળને કારણે ખેડૂતો આંબા પરથી કેરી સત્વરે માર્કેટિંગ યાર્ડમાં લાવીને બજારમાં વેચાણ માટે લાવી રહ્યા છે. તેની પાછળનું કારણ પોતાના પાકને વરસાદ અને વાવાઝોડામાં સંભવિત નુકસાનથી બચવા માટેનું કારણ માનવામાં આવી રહ્યું છે.