ભાવનગર: 21 જૂનના સાંજે બદલાયેલા વાતાવરણ બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ થયો હતો. ભાવનગર શહેર સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જો કે વરસાદના પગલે વાતાવરણ આહલાદક બનવા સાથે બફારાનું વધતું પ્રમાણ વધુ વરસાદના એંધાણ દર્શાવી રહ્યું છે.
શહેર અને જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી: ભાવનગર શહેરમાં ગઈ કાલ સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભાવનગર શહેરમાં સમી સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો. મોડી રાત થતા મેઘરાજા ગાજવીજ સાથે મન મુકીને વરસવાની શરૂઆત કરતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા તેમજ શહેરમાં અનેક સ્થળો ઉપર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જો કે શરૂઆતમાં પવન હોવા છતાં વૃક્ષ કે અન્ય વસ્તુઓ તૂટવાના બનાવ બનવા પામ્યા નથી.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ક્યાં તાલુકામાં પડ્યો: ભાવનગર શહેરમાં સાંજે આવેલો વરસાદ સાર્વત્રિક વરસાદ હતો. ભાવનગર ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદને પગલે પત્રક જાહેર કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર વિભાગના પત્રકના જણાવ્યા પ્રમાણે તાલુકાઓમાં વરસાદ જોઈએ તો ગઈકાલ 21 જુનના સવારના 6 થી 22 જૂન સવારના 6 કલાક સુધીમાં નીચે મુજબ વરસાદ નોંધાવા પામ્યો છે.
જિલ્લાનો કુલ MM અને ઇંચમાં વરસાદ તાલુકા પ્રમાણે
તાલુકા MM અને ઇંચમાં વરસાદ
- વલભીપુર 43 MM (પોણા બે ઇંચ)
- ઉમરાળા 33MM ( સવા 1 ઇંચ)
- ભાવનગર 14MM (અડધો ઇંચ)
- ઘોઘા 04 MM (નહિવત)
- સિહોર 28MM (એક ઇંચ ઉપર)
- ગારીયાધાર 107MM (સાડા ચાર ઇંચ)
- પાલીતાણા 61MM (અઢી ઇંચ)
- તળાજા 16 MM (અડધો ઇંચ)
- મહુવા 0 MM (નથી)
- જેસર 35MM (દોઢ ઇંચ)
ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં આશરે કુલ 34.1 MM અને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી ભાવનગર સહિત સમગ્ર પંથકમાં ઠંડકનો માહોલ પ્રસરી ગયો હતો.આ સાથે ખેડૂતો પણ ખૂબ ખુશ થઇ ગયા હતા.