પોરબંદર: લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહેલા અને કેન્દ્રીય કેબિનેટમાં શ્રમ અને રોજગાર પ્રધાન પદ મેળવનારા ડો મનસુખ માંડવીયા શનિવારે પોતાના મત વિસ્તાર એવા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કાર્યકરો સાથે ગોષ્ઠિ માટે આવ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પોરબંદર લોકસભામા આવતી કેશોદ વિધાનસભા મત વિસ્તારના પાર્ટીના કાર્યકરો અને લોકોનું અભિવાદન કરવા તેઓ કેઆવ્યા હતા. અહીં માધ્યમો દ્વારા બેરોજગારોને રોજગારી ભથ્થું આપવા માટે કેન્દ્રની સરકાર અને તેમનો વિભાગ કેટલું ગંભીરતાથી વિચારે છે તેવા માધ્યમોના સવાલનો જવાબ આપ્યા વગર કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવીયાએ કેશોદ માંથી ચાલતી પકડી હતી.
બેરોજગારોની મજાક ! બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે બિહારમાં બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાને લઈને રાજ્યની સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે અને આગામી દિવસોમાં તેનો અમલ કરવા પણ જઈ રહી છે, તેવુ નિવેદન જાહેર માધ્યમોને આપ્યું હતું, તો બીજી તરફ કર્ણાટકની સરકારે બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાની શરૂઆત કરી છે.
આજ મુદ્દાને લઈને કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન ડો મનસુખ માંડવીયાને સવાલ પૂછાયો હતો કે કેન્દ્રની સરકાર બિહાર અને કર્ણાટકની જેમ દેશના બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવા માટે કેટલી ગંભીર છે ? ત્યારે આવો સવાલ સાંભળીને શ્રમ અને રોજગાર પ્રધાન ડો મનસુખ માંડવીયાએ અટઃહાસ્ય સાથે બેરોજગારોના હિતમાં પૂછવામાં આવેલા સવાલનો છેદ ઉડાવી દીધો હતો અને ચાલતી પકડી હતી.