દમણ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે મોડી સાંજે દમણ એર સ્ટેશન પર અમિત શાહનું આગમન થતા પ્રશાસક પ્રફુલ પટેલ સહિત દમણ ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી અમિત શાહ રાત્રી રોકાણ માટે મીરાસોલ રિસોર્ટ પર પહોંચ્યા હતા. અમિત શાહના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
અમિત શાહનો દમણ પ્રવાસ : દમણ અને દાદરાનગર હવેલીની બે દિવસીય મુલાકાતે પધારેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દમણ એરપોર્ટથી મીરાસોલ રિસોર્ટ જવા રવાના થયા હતા. મીરાસોલ રિસોર્ટ ખાતે રાત્રી રોકાણ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ગૃહપ્રધાન અમિત શાહે નિહાળ્યો હતો. ત્યારબાદ સોમવારના રોજ શહેરના અગ્રણીઓ અને ભાજપ કાર્યકર્તાઓ સાથે અમીત શાહે બેઠક યોજી હતી.
રાજકીય આગેવાનો સાથે બેઠક : મળતી વિગતો મુજબ અમિત શાહે સૌ પ્રથમ દમણમાં પરામર્શ દાત્રી સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠક કબજે કરવા માટે પણ ભાજપના કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા અમિત શાહે આહવાન કર્યું હતું. અમિત શાહની આ મુલાકાતને લઈ સંઘપ્રદેશના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
લાભાર્થી સંમેલન : દાદરાનગર હવેલી ખાતે વિવિધ લાભાર્થી યોજના હેઠળ લાભાર્થીઓને લાભની ફાળવણી માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત કરી લાભાર્થીઓને લાભ આપ્યા હતા. ઉપરાંત સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યું હતું.