હૈદરાબાદ: જ્યારે પણ હીરાની વાત આવે, ત્યારે આપણા મગજમાં સૌ પ્રથમ સુરત શહેરનું નામ આવે છે. 1960ના દાયકાની શરૂઆતથી આ શહેર વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું હબ રહ્યું છે. સુરત સમગ્ર વિશ્વમાં હીરાના પોલિશિંગ, કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું બજાર છે.સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆત 1900ના દાયકાની શરૂઆતમાં એક સ્થાનિક વેપારીએ પૂર્વ આફ્રિકાથી આવ્યા બાદ શહેરમાં હીરા કટિંગ અને પોલિશિંગનું પહેલું કારખાનું નાખ્યું હતું.
સુરત કેવી રીતે બન્યું હીરા ઉદ્યોગનું હબ: ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રના પટેલ સમુદાયના કેટલાક ઉદ્યોગસાહસિકોએ રફ હીરાની આયાત અને પોલિશ્ડ હીરાની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉદ્યોગ 1980ના દાયકા સુધી ધીમે ધીમે વિકાસ પામ્યો અને ત્યારબાદ આ ઉદ્યોગે ગતિ પકડી. સૌરાષ્ટ્રના પટેલો અને ઉત્તર ગુજરાતના જૈનોએ સાથે મળીને સુરતના હીરા ઉદ્યોગને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી. 1991માં આર્થિક સુધારાને કારણે આ ઉદ્યોગનું વિસ્તરણ થયું. વર્ષ 2005માં સુરતે વિશ્વના 92 ટકા હીરાનું કટિંગ કર્યું હતું અને તેની નિકાસથી ભારતે 15 બિલિયન ડોલરની કમાણી કરી હતી. ભારત દર વર્ષે આશરે 11 બિલિયન ડોલરના રફ હીરાની આયાત પોલિશિંગ માટે કરે છે, જેમાંથી 80 ટકા હીરા ખાણકામ કરતી કંપનીઓમાંથી અને બાકીની એન્ટવર્પમાંથી આવે છે.
કસ્ટમડ્યુટીને લઈને રજૂઆત: ગત વર્ષ 2023ના બજેટમાં હીરા અને ઘરેણાં ઉદ્યોગને ઘણી અપેક્ષા રાખવામાં આવી હતી. જેમાં કટ-પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવા અને સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની આયાત જકાત પણ 12.5 ટકાથી ઘટીને 4 ટકા થાય તેવી સરકારને ભલામણ કરવામાં આવી હતી. તેમજ લેબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતા સીડ્સ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરવા અને વપરાતી મશીનરીની આયાત પરની જકાત દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. જે આ વર્ષના બજેટમાં સરકારે હિરા ઉદ્યોગને માટે મોટી રાહત આપી છે. જે અનુસાર આ વર્ષના બજેટમાં સરકારે કાચા હીરા ઉપર કોઈ ટેક્સ લગાવવામાં આવશે નહીં. આ મુદ્દે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાએ તેમનો મત રજૂ કર્યો છે.
આજના બજેટમાં ઉદ્યોગો વિશેની શું જોગવાઈ કરવામાં આવી:
- આ બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઉદ્યોગો માટે નાણામંત્રીએ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- કિમતી ધાતુઓ જેમકે સોના અને ચાંદીમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી 6 ટકા અને પ્લેટિનમ પર 6.5 ટકા કરવામાં આવશે. જેનાથી કીમતી ધાતુઓમાં ભાવમાં ઘટાડો થશે.
- સ્ટાન્ડર્ડ રિડક્શન પણ 50,000 થી વધારીને 75,000 કરવામાં આવ્યું છે. આ સિવાય ઝીરો થી ત્રણ લાખ સુધીની આવકમાં કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
- 3થી 7 લાખ રૂપિયામાં 5%, 7થી 10 લાખ રૂપિયામાં 10%, 10 થી 12 લાખ રૂપિયામાં 15%, 12 થી 15 લાખ રૂપિયામાં 20 ટકા અને 15 લાખથી વધુના પગાર પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
હીરા ઉદ્યોગનું યોગદાન: સુરત શહેર રૂ.70,000 કરોડની ભારતીય વાર્ષિક નિકાસમાં 80 ટકાથી વધુનું યોગદાન આપે છે. વિશ્વના મોટા શહેરોની દુકાનોમાં તમને જે હીરા મળે છે તેમાંથી 100 માંથી 90 હીરા ભારતમાં કાપીને પોલિશ કરવામાં આવે છે અને હીરાની ચમકનો 75 ટકા શ્રેય સુરતના હીરા ઉદ્યોગને જાય છે. સુરતના ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં 1.5 મિલિયનથી વધુ લોકો સંકળાયેલા છે અને શહેરને દેશના ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગનું હબ બનાવ્યું છે. ઉદ્યોગની કુલ જેમ્સ અને જ્વેલરી નિકાસ બાસ્કેટમાં હીરાનો હિસ્સો 54 ટકા છે અને ભારત કટ અને પોલિશ્ડ હીરાનો વિશ્વનો અગ્રણી નિકાસકાર છે.
ડાયમંડ બુર્સ શા માટે બનાવવામાં આવ્યું: વિશ્વના 92 ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે. આના માટે હજારો હીરાના વેપારીઓને મુંબઈથી સુરત સુધી 500 કિમીની મુસાફરી કરવી પડતી હતી. તેથી SDB નું નિર્માણ કરવામાં આવ્યું. SDB માં કુશળ કારીગરો માટે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરવામાં આવી છે. 1.5 લાખથી વધુ નવી નોકરીની તકો ઉભી કરી છે.
ડાયમંડ બુર્સની વિશેષતાઓ: સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં અનેક આધુનિક સુવિધા છે. આ ઇમારત બનાવતા 4 વર્ષનો સમય લાગ્યો હતો.
ડાયમંડ બુર્સનું ઉદઘાટન: ડાયમંડ બુર્સ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેણે અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ છોડી દીધું છે. આ ડાયમંડનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું.