જૂનાગઢઃ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો માછીમારી ઉદ્યોગ થકી રોજગારીનું સર્જન કરીને સરકારને રાજશ્વ કમાઈ આપે છે પરંતુ બજેટમાં માછીમારી ઉદ્યોગનો સમાવેશ ન કરતા માછીમાર ઉદ્યોગકારોમાં ઘોર નિરાશા સાંપડી રહી છે. વર્ષ 2024-25નું સામાન્ય અંદાજપત્ર નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયું હતું. બજેટ રજૂ થતાં જ સૌરાષ્ટ્રનો એકમાત્ર સૌથી મોટો ઉદ્યોગ અને આ ઉદ્યોગ થકી રાજ્ય અને કેન્દ્ર સરકાર ને વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા માછીમાર સેક્ટરને જાણે કે બજેટમાંથી દૂર રખાયું હોય તેવો ચિત્ર ઉપસી રહ્યું છે. બજેટમાં મત્સ્ય ઉદ્યોગ માટે ખાસ કોઈ જોગવાઈ ન કરાતા માછીમાર ઉદ્યોગકારો નિરાશ થયા છે.
ઝીંગા ઉદ્યોગ સંદર્ભે જોગવાઈઃ કેન્દ્રીય બજેટમાં ફિશ ફાર્મિંગ દ્વારા ઝીંગા ઉદ્યોગને લઈને કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ પરંપરાગત રીતે દરિયાઈ માછીમારી કરતા સાગર ખેડુ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને માછીમારો માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ કે નવી રાહત આ બજેટમાં કરવામાં આવી નથી. પાછલા 2 દસકાથી માછીમાર ઉદ્યોગકારો સૌરાષ્ટ્રના બંદરોના વિકાસ અને વિસ્તૃતિકરણને લઈને માગ કરી રહ્યા છે. ડીઝલમાં મળતી સબસીડી માછીમારો માટે આજે પણ ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહી છે. તેને લઈને પણ બજેટમાં કોઈ જોગવાઈ નથી. વધુમાં ભારતીય માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપરણ કરીને તેને જેલમાં મોકલી આપવામાં આવે છે. તેને લઈને પણ બજેટમાં કોઈ વિશેષ યોજના બનાવવામાં આવી નથી. માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા આ પાયાના પ્રશ્નો આજે 2 દસકાથી યથાવત છે. જેને કારણે માછીમાર ઉદ્યોગકારો વર્તમાન અંદાજપત્રથી ભારે નિરાશ થયા છે.
મત્સ્ય ઉદ્યોગ મરણ પથારીએ જશે તેવી શક્યતાઃ પારંપરિક દરિયાઈ માછીમારી સેક્ટરનો બજેટમાં સમાવેશ કરાયો નથી પરંતુ ફાર્મિંગ દ્વારા માછીમારીને પ્રોત્સાહન મળે તે માટેની કેટલીક યોજના બજેટમાં સમાવવામાં આવી છે. જેના કારણે પરંપરિક માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને માછીમારો આગામી દિવસોમાં બેરોજગાર બનશે તો બીજી તરફ ફાર્મિંગ દ્વારા થતી માછીમારીને કારણે ખાનગી કંપનીઓ અને એવા ઉદ્યોગકારો ફાર્મિંગ સેક્ટરમાં જોડાશે કે જે પરંપરાગત રીતે માછીમાર નથી અથવા તો માછીમારી ઉદ્યોગ સાથે ક્યારેય સંકળાયેલા નથી. આવા લોકો માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જેને પરંપરાગત માછીમારો નિરાશા જનક ગણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ઉદ્યોગઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના બંદર વિસ્તારમાં માછીમારી ઉદ્યોગ આજે સ્થાનિક રોજગારીનું સૌથી મોટું માધ્યમ બની રહ્યું છે. વેરાવળ, પોરબંદર, માગરોળ, સુત્રાપાડા, દ્વારકા, જામનગર, ઓખા, મૂળ દ્વારકા અને દીવ સુધીના બંદરોમાં માછીમારીને કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થાય છે. વધુમાં માછીમારી ઉદ્યોગ ને કારણે રાજ્ય અને કેન્દ્રની સરકારને વિદેશી હૂંડિયામણ પણ મળી રહ્યું છે. તેમ આ ઉદ્યોગ પ્રત્યે બજેટમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી. જેને કારણે માછીમાર અને માછીમાર ઉદ્યોગકારો બજેટને નિરાશા જનક ગણાવી રહ્યા છે.
ઉદ્યોગકારોએ આપ્યો પ્રતિભાવઃ માછીમાર ઉદ્યોગ સાથે પાછલા ઘણા વર્ષોથી જોડાયેલા દિનેશ વધાવીએ કેન્દ્રીય બજેટમાં પારંપરિક માછીમારી ઉદ્યોગ અંગેની કોઈ જોગવાઈનો સમાવેશ કરાયો નથી તેનું દુઃખ વ્યક્ત કર્યુ હતું. કેન્દ્રીય બજેટમાં માછીમારી ઉદ્યોગને નજર અંદાજ કરવાને કારણે પરંપરિક માછીમારી ઉદ્યોગ મરણ પથારી તરફ આગળ વધશે તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. વધુમાં માછીમારી ઉદ્યોગ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગકારો પણ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં પરંપરિક માછીમારોનું જીવન નિર્વાહ ખૂબ મુશ્કેલ બની જશે. આજે જે માછીમારો રોજગારીનું સર્જન કરી રહ્યા છે તે માછીમારો આવનારા વર્ષોમાં કોઈ કંપનીમાં કામ શોધવા માટે જતા હોય તેવા દિવસો પણ આવી શકે છે આવી ચિંતા તેમણે વ્યક્ત કરી છે. તો બીજી તરફ વધુ એક માછીમાર ઉદ્યોગકાર દીપક દોરીયા એ પણ કેન્દ્રીય બજેટને એકદમ નિરાશા જનક ગણાવ્યું છે. બજેટમાં માછીમાર ઉદ્યોગકારોને ઘણી આશા હતી પરંતુ બજેટ દિવા સ્વપ્ન સમાન સાબિત થયું અને પરંપરિક માછીમારી સેક્ટરને નજર અંદાજ કરીને કેન્દ્રની સરકારે માછીમારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવ્યુ છે. સ્થાનિક માછીમાર અગ્રણી લલિતી ફોફંડીએ પણ કેન્દ્રીય બજેટને લઈને નિરાશા સાથે જણાવ્યું હતું કે, પાછલા 10 વર્ષથી કેન્દ્રની સરકાર માછીમાર સેક્ટરને ખૂબ નુકસાન કરી રહ્યું છે. સાગર ખેડૂની માંગણીઓ સંતોષવાને બદલે માછીમાર ઉદ્યોગ વધુ નિરાશામાં સપડાતો જાય તે પ્રકારના પગલાઓ બજેટમાં કેન્દ્રની સરકાર લઈ રહી છે.