રાજકોટ/જામનગર: રાજ્યમાંથી બે માસૂમો કારની નીચે કચડાઈ જતાં ખબરો સામે આવી છે. એક હૃદયદ્વાવક ઘટના રાજકોટની છે જ્યારે એક જામનગરની. રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી હિમાદ્રી રેસીડેન્સીમાં ચોકીદાર તરીકે કામ કરતા એક શ્રમિકનું બાળક તેજ રેસીડેન્સીમાં રહેતા એક વ્યક્તિની કારની અડફેટે આવી ગયું હતું જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જામનગરમાં પણ આવી જ કરૂણ ઘટના સામે આવી છે. દરેડ વિસ્તારમાં શ્રમિક પરિવારના નવ માસના બાળક પર બોલેરો જીપનું ટાયર ફરી વળતાં તેનું કમકમાટી ભર્યું મૃત્યું થયું હતું.
રાજકોટમાં નેપાળી પરિવારના દોઢ વર્ષના બાળકનું મોત
રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી હિમાદ્રી રેસીડેન્સી ખાતે ચોકીદારી તરીકે નોકરી હતા અને ત્યાંજ પાર્કિંગ એરિયામાં આવેલી રૂમમાં પરિવાર સાથે રહેતા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દોઢ વર્ષીય બાળક મદન પાર્કિંગ એરિયામાં રમી રહ્યો હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મિલન ક્યાડા નામના વ્યક્તિ પરિવારજનો સાથે ખોડલધામ દર્શન અર્થે જઈ રહ્યા હતા, ત્યારે કાર રિવર્સ લેતી વખતે કારના ટાયરમાં બાળક આવી જતા તેને ગંભીર મુંઢ ઇજા પહોંચી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી પોતાની કારમાં જ બાળકને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મરણ ગયેલા જાહેર કરતા બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માસુમ બાળકનું મૃત્યુ થતાં નેપાળી પરિવારના સભ્યો મોટા પ્રમાણમાં પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમજ મદનના મૃત્યુ મામલે પરિવારજનોને ન્યાય મળે તે પ્રકારની માંગ કરી હતી. પદમ સૌવ નામના વ્યક્તિને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. ત્યારે પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ભારે આક્રંદની લાગણી જોવા મળી રહી છે.
જામનગરમાં મઘ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકનું મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક સૈનિક પરિવારનું નવ માસનું બાળક રમતા-રમતાં એક બંધ પડેલા બોલેરો નીચે પહોંચ્યું હતું, જ્યાં બોલેરો ચાલકે એકાએક પોતાનું વાહન ચાલુ કરી દેતાં માસુમ બાળક પર બોલેરોનું વ્હીલ ફરી વળ્યું હતું, અને ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપૂરના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને બાંધકામના સ્થળે મજૂરી કામ કરતા રાકેશભાઈ કાલીયાભાઈ નામના આદિવાસી શ્રમિક દરેડ વિસ્તારમાં એક બાંધકામના સ્થળે મજૂરી કામ કરતા હતા, અને તેઓનું નવ માસનું બાળક ખુશાલ કે જે રમતા રમતા એક બંધ પડેલા બોલેરોની નીચે પહોંચ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ખુશાલ ના પિતા રાકેશભાઈ આદિવાસીએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં બોલેરો ચારક સામે ફરિયાદ નોંધાવી છે.