રાજકોટ: રાજકોટ જિલ્લામાં ફરી એકવાર નાણાં બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે રમતા-રમતા બે માસૂમ બળકીઓના ડૂબી જવાથી મોત થયા છે.
ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે આવેલા તળાવમાં રમતા રમતા બે બાળકીઓ પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાનો એક બનાવ સામે આવ્યો છે. ખેત મજૂરી કરતા પરપ્રાંતીય ખેત મજૂરની એક સાથે બન્ને બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે કાળજાના કટકા સમાન બંને દીકરીઓને એક સાથે ગુમાવવાનું દુઃખ પરિવાર માટે શોકગ્રસ્ત સમાચાર બન્યું છે. બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી, જે બાદ તેમને બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી. જે બાદ એક સાથે બન્ને બાળકીઓના મોત થતા પરિવાર પર આભ ફાટી ગયું હોય તેવી પરિવારજનોની હાલત થઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અહીં ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ખેત મજૂરી કરવા માટે આવેલા પરપ્રાંતિય મજૂર માતા-પિતાની બાળકીઓ રમતા રમતા તળાવમાં પડી ગઈ હતી. આ બાળકીઓ તળાવમાં પડી ગયેલી હોવાની જાણ થતાં બન્ને બાળકીઓને બહાર કાઢીને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે આ બાળકીઓને મૃત જાહેર કરતા માતા-પિતા પર આભ ફાટ્યું હતું.
આ ઘટનામાં 04 વર્ષીય શિવાની ઈતારામ સોલંકી તેમજ 02 વર્ષીય સુમન ઈતારામ સોલંકી નામની બંને બાળકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોવાથી ઉપલેટા સિવિલ હોસ્પિટલના હાજર મેડિકલ ઓફિસર ડો. એમ.એ. વાળા દ્વારા ઘટના અંગે ભાયાવદર પોલીસને જાણ કરતા ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.બી. મજીઠીયા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.