બનાસકાંઠા : 108 ઈમરજન્સી સેવામાં બનાસકાંઠા જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયું છે. હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટુંડિયા 108 સેવાના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાયા છે. દાંતાના સર્પદંશના દર્દીને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇમરજન્સી સારવાર આપી નવજીવન આપ્યું હતું.
ગુજરાતનું ગૌરવ : ભારતમાં જે રાજ્યોમાં 108 ઈમરજન્સી સેવા કાર્યરત છે તેવા રાજ્યના શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ હૈદરાબાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા 108 ના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું.
ટુંડિયા 108 ટીમની ઉત્કૃષ્ટ કામગીરી : ટુંડિયા લોકેશનમાં ફરજ બજાવતા EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને સરકારી હોસ્પિટલ દાંતાથી સર્પદંશનો ભોગ બનેલા દર્દીનો કોલ મળ્યો હતો. 108 ટીમ ત્યાં પહોંચીને તાત્કાલિક દર્દીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે લઈ જઈને હેડ ઓફિસ સ્થગિત ડોક્ટરની સલાહ મુજબ 9 જેટલા ASV (એન્ટી સ્નેક વેનમ) ઇન્જેક્શન અને જરૂરી સારવાર આપીને દર્દીનો જીવ બચાવ્યો અને દર્દીને નવજીવન આપ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડનું સન્માન : સર્પદંશનો ભોગ બનનાર દર્દીને સમયસર સારવાર આપનાર 108 સેવાના સ્ટાફ EMT યોગિતા પટેલ તથા PILOT નાગેન્દ્રસિંહ બારડને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડનું સન્માન મળ્યું છે. હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં EMRI GHS ના ચેરમેન ડો. જીવીકે રેડ્ડીના હસ્તે બંને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ તથા ગુજરાત રાજ્યના સ્ટેટ હેડ જશવંત પ્રજાપતિ સહિત અન્ય રાજ્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ : બનાસકાંઠા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ મળતા 108 ના કર્મચારીઓમાં હર્ષોલ્લાસ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી તથા જિલ્લા એક્ઝિક્યુટિવ નિખિલ પટેલે આ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત 108 ઈમરજન્સી સેવા : ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા એટલે 108 એમ્બ્યુલન્સ સેવા દેશભરમાં મોખરે છે. ગુજરાતમાં વર્ષ 2007 થી 108 ઈમરજન્સી સેવા નિ:શુલ્ક કાર્યરત છે. અણમોલ જિંદગી બચાવવામાં 108 સેવાના કર્મચારીઓ 24 કલાક ખડેપગે હોય છે. ગુજરાતમાં અધતન ટેકનોલોજીથી સજ્જ એવી 800 થી પણ વધારે 108 એમ્બ્યુલન્સ સાથે તાલીમબદ્ધ સ્ટાફ કાર્યરત છે.