ભરૂચ : ચૂંટણી આવે એટલે નેતાઓ સામે-સામે આક્ષેપબાજી કરતા જોવા મળે છે. ઉપરાંત પોતાની લીટી લાંબી કરવા એકબીજા સામે બાયો ચડાવે છે. ભરૂચ લોકસભા બેઠક પર આપ નેતા ચૈતર વસાવા અને ભાજપ સાંસદ મનસુખ વસાવાના વાકયુદ્ધ ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી પ્રચારના પડઘમ હવે શાંત થયા છે. જોકે તે પહેલા વસાવા vs વસાવાનું વધુ એક શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.
મનસુખ વસાવા :
ભરૂચ લોકસભા બેઠક પર 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા તેમના બેફામ નિવેદન માટે ચર્ચામાં રહે છે. આજે તો તેમણે હદ વટાવી દીધી અને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દારુના કેસમાં જેલમાં ગયા છે. તેમણે કોન્ટ્રાક્ટરને દબાવ્યા અને પૈસા લીધા, તેની ફરિયાદ કોંગ્રેસના અજય માકણે કરી, તપાસ થઈ, ફરિયાદ થઈ અને બધું બહાર આવ્યું. એમાં ભાજપનો ક્યાં વાંક છે. ચૈતર કહે છે કે તેનાથી મનસુખભાઈ ડરે છે. અલા ભાઈ તારાથી કોઈ કૂતરું, બલાડુ પણ ડરતું નથી.
ચૈતર વસાવાએ વન કર્મચારીને માર માર્યો, આ ગુનાની ફરિયાદ થઈ અને તે જેલમાં ગયા. તેની સામે 13 ગુના નોંધાયેલા છે. ચૂંટણી પછી ઇટાલીયા પણ દેખાશે નહીં. ચૈતર વસાવાએ આદિવાસીના હક માટે લડતા BTP સંગઠન તોડી નાખ્યું. ચૈતર વસાવા તો મહોરું છે, પરંતુ કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે. તેઓ રાજ્યસભામાં કેમ આદિવાસી કે દલિતને નથી મોકલતા.
આ કોંગ્રેસને મારે કહેવું છે કે ભાઈ આમ આદમી પાર્ટી ખતરનાક છે, તમારું પતી જશે. હારી જશે પણ વોટ જો તમારા બુથમાં મળશે ને તો તે તમારી પાસે તાલુકા જિલ્લામાં પણ ભાગ પડાવશે. મારે તો કહેવું છે કે કોંગ્રેસવાળા ચૈતરને વોટ ન આપતા. જો વોટ તમારે અમને આપવો હોય ન તો કઈ નઈ પણ આમને તો ના જ આપતા. તમારે વોટ આપવો હોય તો જે આદિવાસીના હક માટે કોઈ લડતા હોય તેને આપો.
ચૈતર વસાવા :
બીજી બાજુ ભરૂચ લોકસભા બેઠક પર AAP ઉમેદવાર ચૈતર વસાવાએ પણ સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, હવે ભરૂચ લોકસભાના મતદારો પરિવર્તન ઈચ્છે છે. છેલ્લા 30 વર્ષથી મનસુખ વસાવાને મત આપ્યા છતાં લોકોને ન્યાય નથી આપી શક્યા, એટલે આ વખતે મને તક મળશે અને ઇન્ડિયા ગઠબંધન જીતશે.
સાંસદ મનસુખ વસાવા હવે બોખલાઈ ગયા છે, એટલે ગમે તેમ બોલે છે. એમની ભાષા પર હવે એમનો કાબુ રહ્યો નથી. આજે ભાજપના જેટલા મોટા નેતાઓ આવ્યા એમને મારું 5 વાર નામ બોલવું પડ્યું એટલે ચૈતર વસાવાનો ડર કેટલો છે એમનામાં એ જોવા મળ્યો અને એજ બતાવે છે કે ભાજપ ડરી ગઈ છે. માટે હવે એ પોલીસના સહારે લોકોને ડરાવશે. પણ લોકો જાણી ગયા છે એટલે મનસુખ વસાવાને આરામ આપવાના છે.
આજે સાંસદે કહ્યું કે ચૈતર વસાવાથી કૂતરું-બિલાડી પણ ડરતું નથી. પરંતુ આ ચૂંટણીમાં કૂતરું-બિલાડીને શું કામ લાવવાની જરૂર પડી. આજે ડર તો અમિત શાહના ચહેરા પર હતો કે ચૈતર વસાવાનું નામ લેવું પડે છે. આજે ભાજપમાં મને લઈ જવા માટે કેટલીવાર બોલાવ્યો, પણ હવે ભરૂચ લોકસભામાં અમે જ જીતીશું.