રાજકોટ : ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતીય બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો અંદાજે 60 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયા હતા. એક સાથે બે-બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી.
બે સગા ભાઈઓ કૂવામાં પડ્યા : આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી અંદાજે ત્રણ મહિના પહેલાં મજૂરી કરવા આવેલ પરિવારના બાળકો અકસ્માતનો ભોગ બન્યા છે. મૃતક બાળકોમાં એક ચાર વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને બીજું બે વર્ષીય અશ્વીન ધર્મેન્દ્રભાઈ જાદવ બંને સગા ભાઈઓ છે. આ બન્ને સગા ભાઈઓ રમતાં-રમતાં અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.
મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા : અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ સવારે બાળકો ન મળતાં આ બન્ને પુત્રના પિતા આસપાસના વિસ્તારમાં આવેલ ખેતીવાડી વિસ્તારમાં ગોતવા લાગ્યા હતા. તે દરમિયાન પિતાએ કૂવામાં નજર કરતાં કૂવામાં બંને છોકરાના ચંપલ પાણીમાં તરતા હતા. ત્યારબાદ કાથાની દોરીમાં ખપારી બાંધી અને કૂવામાં નાખતાં જ ખપારીમાં એક બાળક આવી ગયું હતું. પરંતુ બીજું બાળક ન મળતા નાના મહિકા ગામના સરપંચ વિજયભાઈ વિરડીયાએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતાં દિનેશભાઇએ ફાયર સ્ટાફને જાણ કરી હતી. જેથી ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગના તરવૈયા સાથે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
પરિવારમાં આક્રંદ છવાયો : આ ઘટનામાં બન્ને મૃતદેહમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે બે બાળકોના મોતથી મજૂર પરિવારોમાં હૈયાફાટ રૂદનના કરુણ દ્રશ્યોથી સૌ કોઈ કંપી ઉઠયા હતા.