વલસાડ : પશ્ચિમ રેલવેના સુરતથી મુંબઈ જતા રેલવે ટ્રેક પર વલસાડ તાલુકાના નજીક ડુંગરી રેલવે સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થઈ રહેલી માલગાડી મેઈન લાઈનથી સાઇડિંગ લાઇન પર જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો હતો. જેને પગલે રેલવે વ્યવહારને સામાન્ય અસર પહોંચી છે.
ટ્રેન ટ્રેક પરથી ખડી પડી : બનાવની જાણ થતા વલસાડ રેલવે ટીમ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. રેલવે સ્ટાફે ટ્રેકનું સમારકામ હાથ ધર્યું હતું. માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી જતા મુંબઈ અને અમદાવાદ તરફના રેલવે વ્યવહારને અસર થઈ હતી. આ દુર્ઘટનાને કારણે મોટાભાગની ટ્રેનો વધતા ઓછા અંશે મોડી થવાની સંભાવના વ્યક્ત કરી છે.
રેલવે વિભાગની કામગીરી : માલગાડીનો ડબ્બો પાટા પરથી નીચે ઉતરી જતાં રેલવે વ્યવહારને અસર થઈ છે. જોકે ઘટના અંગેની જાણકારી વલસાડ રેલવે વિભાગને કરવામાં આવતા રેલવે તંત્રની ટીમ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ટ્રેકનું સમારકામ કરી ફરી રેલવે વ્યવહાર દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રેનની અવરજવરને અસર : વલસાડના ડુંગરી ખાતે બનેલી માલગાડી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડવાની ઘટનાને પગલે સુરત તરફ જતી મોટાભાગની ટ્રેનો બપોર બાદ બેથી ત્રણ કલાક સુધી મોડી દોડી રહી છે. જેના કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. ત્યારે મોટાભાગની ટ્રેનો હાલમાં બે કલાકથી વધુ સમયથી મોડી દોડી રહી છે. જ્યારે મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો સમયસર જઈ રહી છે.