વડોદરા: એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં ચાલતી ગેર પ્રવૃત્તિઓ અને બાળમજૂરીમાંથી બાળકોને છોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ માંજલપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી 2 નાના છોકરાઓ પાસે વહેલી સવારે 3 કલાકે બાળ મજુરી કરાવતો હતો. ત્યારે2 બાળકોને માલિક પાસેથી મુક્ત કરાવીને તેઓના જીવનને પુનઃજીવિત કર્યું હતું.
ટીમે રેડ કરીને બાળકો છોડાવ્યા: વડોદરા શહેર A.H.T.U. ટીમ દ્વારા શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર કે નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર ડો. બી.બી.પટેલ અને ટીમને મળેલ સૂચના આધારે માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલી બાતમીના આધારે 14 ચતુરાઈનગર માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે ટીમે રેડ કરી હતી. જેમાં 2 સગીર બાળકો મળી આવ્યા હતા.
માસિક 9000 વેતન ચૂકવવામાં આવતું: માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવતા વેપારીને ત્યાં ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે વધુ પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે, આ વેપારી પાસે તેઓ 1 મહિનાથી સવારે 3 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવતા હતા અને વેપારી માસિક 9 હજાર રૂપિયા પગાર આપતો હોવાનું પણ જણાવ્યું હતું.
વેપારી સામે કાયદેસરની કાર્યવાહી: ઝડપાયેલ બંને બાળકોનું શોષણ કરનાર હોલસેલર રામલાલ લોગરજી ડાંગી અને નરેંદ્ર ખેમરાજ ડાંગી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 તથા ચાઇલ્ડ લેબર (પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન) એક્ટની કલમ-14 તથા ઇ.પી.કો.કલમ-114 મુજબની ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં પણ આ જ પ્રમાણે ખાણીપીણીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ બાળમજૂરી કરાવતા હોય છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આ જ પ્રમાણે જિલ્લામાં પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કામગીરી કરવામાં આવે તો બાળકો બાળ મજૂરીમાંથી છૂટી શકશે.