રાજકોટ : સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલા હરિધામ સોખડાના ચાલતા વિવાદમાં સંસ્થાથી અલગ થયેલ જૂથ દ્વારા એક પછી એક 33 કાનૂની લીટીગેશન દાખલ કરાયા છે. જે પૈકી રાજકોટમાં હાલ આણંદ જિલ્લાના વિદ્યાનગરના બાકરોલ મુકામે આત્મીય વિદ્યાધામમાં રહેતા ફરિયાદી પવિત્ર હર્ષદરાય જાનીએ રાજકોટના ધર્મેશ રામેશચંદ્ર જીવાણી, તેમના પત્ની વૈશાખી ધર્મેશ જીવાણી, નિલેશ બટુકભાઈ મકવાણા, સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી તથા વહીવટકર્તા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રસ્ટમાં ઉચાપતની ફરિયાદ : ફરિયાદમાં જણાવ્યું હતું કે, આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ ટ્રસ્ટ મૂળભૂત ટ્રસ્ટીઓ પાસેથી 1986માં સાધુ હરિપ્રસાદ દાસે શૈક્ષણિક હેતુ માટે લીધું હતું. પોતે સોખડા ગામે સ્થિત હોવાના કારણે આ ટ્રસ્ટની જવાબદારી સાધુ ત્યાગ વલ્લભદાસ સ્વામીને આપી હતી.
સર્વોદય કેળવણી મંડળ : સર્વોદય કેળવણી સમાજ હરીધામ સોખડા અક્ષર પુરુષોત્તમ મંદિરના તાબા હેઠળ આવતા અનેક ટ્રસ્ટો પૈકી એક ટ્રસ્ટ છે. હરિપ્રસાદ સ્વામીના સેવકો તથા શ્રદ્ધાળુઓ દાન-ધરમ કરતા હોય છે. આ ધર્માદાની રકમથી આ સંસ્થા જુદી જુદી શૈક્ષણિક કોલેજની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થામાંથી ઉત્પન્ન થતી આર્થિક આવકને સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં જમા કરાવી અને ટ્રસ્ટના મૂળભુત હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય છે.
ટ્રસ્ટનું સંચાલન : વર્ષ 1986 થી ટ્રસ્ટના પબ્લીક ટ્રસ્ટ રજીસ્ટર (PTR) પર પ્રેસિડન્ટ તરીકે સાધુ હરિપ્રસાદ સ્વામીનું આજદિન સુધી નામ ચાલતું આવે છે. પરંતુ સાધુ ત્યાગ વલ્લભદાસ રેકર્ડ પરના સેક્રેટરી છે. આથી સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટ તથા તે સંચાલિત આત્મીય યુનિવર્સિટી અને બીજી શૈક્ષણિક સંસ્થાનો તમામનો આર્થિક અને વહીવટ વ્યવહારની સંપૂર્ણપણે જવાબદારી સાધુ ત્યાગવલ્લદાસ 1986 થી આજદિન સુધી કરતા આવ્યા છે.
ટ્રસ્ટમાં ચાલતી કથિત ગેરરીતિ : ગત 26 જુલાઈ, 2021 ના રોજ હરિપ્રસાદ સ્વામી ધામ પધારેલ (સ્વર્ગવાસી) અને ત્યારબાદ હરીધામ સોખડા અને તેના તાબા હેઠળ આવતા તમામ ટ્રસ્ટો સંબંધે સાધુ ત્યાગવલ્લભ તથા સાધુ પ્રેમસ્વરૂપ દાસ સ્વામીએ ઘણી ગેરરીતિઓ આચરેલ છે, તેવું અમારા ધ્યાનમાં આવ્યું હતું. સાધુ ત્યાગ વલ્લભદાસે ફકત પૈસા માટે સંન્યાસ લીધો છે. તેથી મેં તથા ધર્મદીપ પટેલે જુદા-જુદા ટ્રસ્ટોની શોધખોળ ચાલુ કરી.
33.36 કરોડ રૂપિયાની ઉચાપત : આ શોધખોળ દરમિયાન સર્વોદય કેળવણી સમાજના ઓડિટ રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ તથા બીજા અગત્યના સાધનીક કાગળોના આધારે જાણવા મળ્યું હતું કે, સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી તથા ધર્મેશ રમેશચંદ્ર જીવાણી (હાલ ટ્રસ્ટી), ધર્મેશ જીવાણીના પત્ની વૈશાખી જીવાણી તથા નિલેશ બટુકભાઈ મકવાણાએ એકબીજાના મેળાપીપણામાં સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટના આશરે રૂપિયા 33.36 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.
ભૂતિયા ખાતું અને કંપની : આ ટ્રસ્ટના સેક્રેટરી તથા તેમના મળતિયાઓએ 2004થી એક આત્મીય ટેક ઉત્કર્ષ નામનું ભૂતિયા ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં ખોલાવ્યું હતું. જેમાં ટ્રસ્ટ સંચાલીત અનેક સંસ્થાઓમાંથી કટકે કટકે રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. આ આત્મીય ટેક ઉત્કર્ષના ભૂતિયા ખાતામાંથી ઇન્ફીનીટી વર્કસ ઓમ્ની ચેનલ પ્રા.લી. કંપનીમાં ડમી એગ્રીમેન્ટના આધારે કરોડની રોકડ રકમ ઉપાડી અને ઉચાપત કરેલ છે.
જામીન અને ધરપકડ સામે સ્ટે : આ પછી સાધુ ત્યાગ વલ્લભદાસ ગુરુ હરિપ્રસાદ દાસે (ટી.વી.સ્વામી) એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે નામંજૂર થયા બાદ હાઈકોર્ટમાં ક્વોશીંગ પિટિશન દાખલ કરી ટી.વી. સ્વામીની ધરપકડ સામે સ્ટે મેળવવામાં આવ્યો હતો. જે હુકમ ફરિયાદી પવિત્ર જાનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો તો. જ્યાં ધરપકડ સામે મળેલ રક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
ટી.વી. સ્વામી તરફે દલીલ : હાઈકોર્ટમાં ટી.વી. સ્વામીની આગોતરા જામીન અરજી પેન્ડિંગ હતી, તે ચાલી જતા સિનિયર ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીએ દલીલ કરી કે, ટી.વી. સ્વામીનું ફરિયાદમાં સીધી રીતે નામ નથી. ટ્રસ્ટના વાર્ષિક હિસાબો CA દ્વારા ઓડિટ થયેલ છે અને IT રીટર્ન ફાઈલ થયેલ છે, હિસાબો ચેરિટી ઓફિસમાં રજૂ થયેલ છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્ક્રુટીની કરી એસેસમેન્ટ ઓર્ડર પાસ કરવામાં આવ્યો, તેમાં કોઈ ક્વેરી કે પ્રશ્નો ઉદભવ્યા નથી.
આગોતરા જામીન મંજૂર : હકીકત એ છે કે, હરિપ્રસાદ સ્વામીના દેહવિલય બાદ સોખડાથી અલગ થયેલા પ્રબોધ જીવન દાસ સ્વામી જૂથના લોકોએ હરિધામ સાથે સંકળાયેલ ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન બદનામ કરવા માટે ચેરીટી, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, પોલીસ સહિત વિવિધ અદાલતોમાં અસંખ્ય લીટીગેશન દાખલ કર્યા હતા. જેમાં મોટાભાગમાં ફરિયાદ પક્ષને પછડાટ મળેલ છે. આગોતરા જામીન અરજી મંજૂર કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. નાગરિક સ્વતંત્રતાને લક્ષમાં રાખવી જરૂરી છે, તેમ માની ત્યાગવલ્લભ સ્વામીને (ટી.વી. સ્વામી) આગોતરા જામીન ઉપર મુક્ત કરતો ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે.