સુરત : માંગરોળના મોસાલી-આંબાવાડી વાંકલ માર્ગ પર એક ટ્રકચાલકે ત્રણ બળદગાડાને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ બળદના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બળદગાડુ ચલાવતા એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવે તે પહેલા જ મોત થયું હતું, જ્યારે એક ઈજાગ્રસ્તને માંગરોળના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી છે.
ગોઝારો અકસ્માત : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોજધાટ ગામના ધરમસિંહ સોનજી વસાવા, ચંદ્રસિંહ અમરસિંહ વસાવા, રામજી કાથોડિયા વસાવા માંગરોળ તાલુકાના કઠવાડા ગામે છેલ્લા ચાર મહિના માલિકના તબેલામાં રહી ખેત મજૂરી કામ કરતા હતા. તેઓને પોતાના માદરે વતન રોજધાટ ગામે સંબંધીના બેસણાની વિધિમાં જવા સાંજના 4 વાગ્યે કઠવાડાથી ત્રણ બળદગાડા લઈ નીકળ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે અને ત્રણ બળદના પણ મોત થયા છે. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. -- એચ.આર.પઢિયાર (PSI, માંગરોળ પોલીસ સ્ટેશન)
ત્રણ બળદના કરુણ મોત : રાત્રે નવ વાગ્યે મોસાલી ચાર રસ્તા પાસે ચા-નાસ્તો કરી વાંકલ તરફ બળદગાડા લઈને નીકળી ગયા હતા. ત્યારે આંબાવાડી ગામ નજીક ત્રણ બળદગાડા લાઈનમાં રોડ પર ચાલી રહ્યા હતા. જે ટ્રક ચાલકની નજરે ન પડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રક ચાલકે બળદગાડાને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ બળદના મોત નીપજ્યા હતા.
એક કિમી ઘસેડાયો બળદ : એક બળદનું સિંગડું ટ્રકના પાછળના ભાગમાં ફસાઈ જતા એક કિલોમીટર દૂર ધોળી કુઈ ગામ સુધી ઘસડાયા બાદ બળદ મૃત્યુ પામ્યો હતો. બળદ ગાડામાં બેઠેલા ચંદ્રસિંહભાઈ વસાવાને 108 એમ્બ્યુલન્સની મદદથી માંગરોળ સરકારી દવાખાનામાં સારવાર અપાઈ હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ 65 વર્ષીય રામજીભાઈ કાથોડિયા વસાવાને સુરત નવી સિવિલ ખાતે લઈ જતા હતા. ત્યારે રસ્તામાં જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.