સુરત: બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નાની ધામડોદ નજીક મહારાષ્ટ્ર તરફથી આવતી એક આર્ટિગા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જઇ અન્ય કાર સાથે ભટકાઈ હતી. જ્યારે અન્ય એક કાર ચાલકે અકસ્માતથી બચવા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા તે પણ ડિવાઈડર કૂદી ગઇ હતી. આ અકસ્માતમાં આર્ટિગામાં સવાર એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ચારથી પાંચને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કાર ડિવાઈડર કૂદી ગઈ: રવિવારે સાંજે બારડોલી થી પલસાણા જતા નેશનલ હાઇવે નંબર 53 પર મહારાષ્ટ્ર થી સુરત તરફ જઈ રહેલી એક અર્ટિગા કાર નંબર M.H.14 એલજે 4892ના ચાલકે પલસાણા તાલુકાના નાની ધામડોદ ગામની સીમમાંથી પસાર થતી વખતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. અહીં સામેથી આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતથી બચવા એક કાર ડિવાઈડર પર ચડી ગઈ: આ અકસ્માત થી બચવા માટે એક આઈ20 કારના ચાલકે કાબુ ગુમાવી દેતાં તેમની કાર પણ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો કે આ કારમાં સવાર કોઈને ઇજા થઇ ન હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
મહિલાનું મોત: આ અકસ્માતમાં અર્ટિગા કારમાં સવાર રાધિકાબેન ગોકુળભાઈ મહાજન (ઉ.વ.31, રહે શ્રીસ્વામી સમર્થ નગર, પુણે નાસિક હાઇવે, પુણે, મહારાષ્ટ્ર)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારથી પાંચ જણાને ઇજા થતાં તેમને સુરત અને બારડોલીની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતમાં અર્ટીગામાં સવાર ગોકુળભાઈ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને તેમજ જ્યારે વેન્યુ કારમાં સવાર પાયલબેન રૂપેશ પ્રજાપતિ, આશિષ ગોસ્વામી અને ડેઝીને સુરતની ખાનગી તેમજ બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.