છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામમાં તારીખ 20 સપ્ટેમ્બરની રાત્રીના પોણા દસ (9:45) વાગે પીપલદી ગામના શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા, પેશન મોટર સાયકલ ઉપર આવી બે શખ્સો એ પૂર્વ સાસંદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ ઉપર બંદૂકથી ફાયરિંગ કરતાં પેટના ભાગે ગોળી વાગી હતી અને કવાંટ હોસ્પિટલ લઈ જતાં કુલદીપનું મોત થયું હતું.
શું છે હત્યા પાછળનું કારણ: સૂત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળે છે કે, અગાઉ પીપલદી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક કુલદીપ રાઠવા સાથે ઝગડો થયો હતો જેની અદાવત રાખી, નિવૃત આર્મી જવાન શંકર રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા કુલદીપ રાઠવાના ઘરે આવી બંદૂક વડે ફાયરિંગ કરી કુલદીપની હત્યા કરી હતી. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર એટલે કે ભત્રીજો છે. મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ પેનલ પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પીટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે.
આરોપીઓની શોધખોળ: આ અંગે મૃતક કુલદીપ રાઠવાના ભાઈ રાજપાલસિંહ જામસીંગભાઈ જાતે રાઠવાએ નિવૃત આર્મી જવાન આરોપી શંકર રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીપલદીના રહેવાસી આરોપીઓ શંકરભાઈ સનજીભાઈ રાઠવા તથા અને અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બન્ને સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103(1), 54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1-B)A, 27(1)તથા GP Act કલમ 135 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ગુનામાં વપરાયેલ બધો જ સમાન કબ્જે: આ અંગે પીઆઈ એ.આર. પ્રજાપતિએ પ્રેસ કોન્ફ્રસ દ્વારા માહિતી આપી હતી કે, પીપલદી ગામના નિવૃત આર્મી જવાન શંકર રાઠવાને કુલદીપ રાઠવા સાથે અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત હતી જેની રીસ રાખી, ગઈકાલે રસ્તે ચાલતા કુલદીપ રાઠવાના પેટના ભાગે ગોળી મારી હત્યા કરી નાખી હતી. જે અંગે કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી હત્યાના મુખ્ય આરોપી અને નિવૃત આર્મી જવાન શંકર રાઠવાની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને હત્યાના ગુનામાં વપરાયેલ બધો જ સમાન કબ્જે લેવામાં આવ્યો છે.
આ પણ જાણો: