પોરબંદર: સુરખાબી નગર પોરબંદરમાં સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂણેની તાલ પરિક્રમા - અનિંદો ચેટરજી મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા તેમજ ઝેવર પોરબંદરના સહયોગથી 10 ફેબ્રુઆરી શનિવારે રાતે 9 કલાકે કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને સ્વરાંજલિ અર્પણ કરવા અર્થે સંતૂર, તબલા વાદન અને શાસ્ત્રીય ગાયનનો સુરીલો, લય સભર કાર્યક્રમ યોજાયેલ હતો.
આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરા એ ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કીર્તિ મંદિરની પ્રણાલી અનુસાર કલાકારોનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં યુવા તબલા વાદક અમદાવાદના જીગ્નેશ શેઠે તાલ ત્રિતાલમાં અદ્ભૂત સોલો વાદન દ્વારા શ્રોતાઓના મન મોહી લીધા હતા. તેમની સાથે હાર્મોનિયમ સંગત અમદાવાદના કીર્તન ત્રિવેદીએ કરી હતી. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં સરપ્રાઈઝ પ્રસ્તુતિ પોરબંદરના સંગીત ગુરુ કિરીટભાઈ રાજપરાની રહી હતી. તેઓએ રાગ જોગમાં ત્રિતાલમાં મધ્ય લય બંદીશ પ્રસ્તુતિ કરી પૂજ્ય બાપુને સ્વારંજલી અર્પી હતી. તેમની સાથે ગાયનમાં સંગત તેમના સુપુત્ર કમલ રાજપરાએ કરી હતી. હાર્મોનિયમ સંગત કીર્તન ત્રિવેદી અને તબલા સંગત જીગ્નેશ શેઠે કરી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂણેના સુવિખ્યાત સંતૂર વાદક દિલીપ કાલેએ રાગ કિરવાણીની ખુબ સુંદર પ્રસ્તુતિ તાલ રૂપક અને ત્રિતાલમાં કરી સૌ કોઈને આહલાદક અનુભૂતિ કરાવી હતી અને અંતમાં બાપુને પ્રિય વૈષ્ણવ જનની ખુબ સુંદર પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું હતું. સૌ કલાકારોનું જિલ્લા કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સંસ્થાના માનદ સભ્ય લાખાણી સાહેબ, ચેરેમન કિરીટભાઈ રાજપરા, પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર, કારોબારી સભ્યો નીરજભાઈ મોનાણી, વિનોદભાઈ વડેરા, ડો. ભરતભાઈ ગઢવી સહિત રાષ્ટ્રીય સંસ્થા રાષ્ટ્રીય સૃજન અભિયાન, દિલ્હીના ડો. પ્રદ્યુમનસિંહાજી. ગીતા દેશપ્રેમીજી સહિત મોટી સંખ્યામાં પોરબંદર સંગીત કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.