વલસાડ: હજારો વર્ષોથી આદિવાસીઓ જંગલોંમાં વસતા આવ્યા છે અને તેઓ પ્રકૃતિને જ ભગવાન માનીને તેમની પૂજા કરતા હોય છે આથી તેઓને પ્રકૃતિપૂજક પણ કહેવાય છે. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ દ્વારા જળ, જંગલ, જમીનની રક્ષા કરવામાં આવે છે. તેથી તેઓ પ્રકૃતિ પૂજક છે. ત્યારે તેમના રિવાજો પણ અનોખા હોય છે. આદિવાસી ક્ષેત્રમાં ખેતરોમાં તૈયાર થતા ધાન્યની પૂજા કર્યા બાદ જ તેનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. તેઓ માને છે કે, અનાજના દરેક દાણામાં પ્રકૃતિ દેવીનો વાસ હોય છે. જેથી નવું પાકેલું ધાન્યની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ ધન-આરોગ્ય સુખાકારી વધે હોવાની માન્યતા છે.
પ્રકૃતિ દેવીની પૂજા કરાય છે: ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં મોટાભાગના આદિવાસી સમાજના લોકો ખેતીવાડી ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે .એમાં પણ ડાંગરનો પાક મહત્વનો છે. આ સાથે જ વેલાવાળા શાકભાજી સહિતના પાકોનું ઉત્પાદન તેઓ લે છે, પરંતુ તે પૂર્વે ઉત્પાદન થયેલું નવું ડાંગર અને વેલાવાળા શાકભાજીને પ્રથમ તેઓ દિવાળી પહેલા પૂજન કરતા હોય છે અને તે બાદ જ તેઓ પોતાના ભોજનમાં તેનો સમાવેશ કરે છે.
ગામના અગ્રણીના ઘરે મઠ બનાવાયા છે: આદિવાસી ક્ષેત્રમાં માવલી માતાની પૂજા એ ખૂબ મહત્વ ધરાવે છે. ગામના એક અગ્રણીને ત્યાં નક્કી કર્યા મુજબ તમામ લોકો એક નાનકડા ખેતરમાં એટલે કે ખરીમાં ભેગા થાય છે. જ્યાં કેટલીક વસ્તુઓ દિવાળી પૂર્વેથી ખાવાનું બંધ કરીને યુવાનો અને બાળકો અને વૃદ્ધો આમ ત્રણેય લોકો કેટલાક નીતિ નિયમો સાથે કેટલાક દિવસો સુધી અલગ રહી પૂજામાં બેસનારા તમામ લોકો નીતિ નિયમોનું પાલન કરે છે. એક જ સ્થળે ભેગા થઈ માતાનો મઠ બનાવતા હોય છે. જ્યાં રાત્રિ દરમિયાન તમામ લોકો પર માતા ફેરી કરવા આવતી હોવાનું માનવામાં આવે છે.
વર્ષોથી ચાલતી આ પરંપરા હજુ પણ અવિરત: આદિવાસી સમાજમાં માવલી માતાની પૂજાનું અનેરૂ મહત્વ છે. દર વર્ષે દિવાળી પૂર્વે આ પૂજન કરવામાં આવે છે. જેમાં વેલા વાળા શાકભાજી ઉપર થતા કાકડી, રીંગણ, ચોળા સહિતની કેટલીક ચીજવસ્તુઓ પૂજામાં માટે ખાવી વર્જિત છે. જો ભૂલથી પણ આ ચીજો તેઓ ખાઈ લે તો તેમના માટે પૂજા કરવી ખૂબ અઘરી બની જતી હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.
જોનારાઓ માટે ચમત્કાર જેવું અલૌકિક દ્રશ્ય: આ પૂજા દરમિયાન કેટલીક વિધિઓ લોકોને આશ્ચર્યચકિત કરી દે તેમ છે. આજે પણ પ્રકૃતિ દેવીની પૂજા અને માવલી માતાની પૂજા દરમિયાન અંગારા ઉપર ચાલવું. તેમજ સળગતા લાકડાને ધૂળ આવતાની સાથે પોતાના પીઠમાં મારવાની રીત આજે પણ લોકોને આશ્ચર્યચકિત અને અભિભૂત કરે છે. આદિવાસી સમાજ આજે પણ માને છે કે, માવલી માતાની ફેરી આ પૂજા દરમિયાન દરેકના શરીરમાં આવે છે અને તે જ શક્તિ છે. જે દરેકને આવી પ્રક્રિયામાંથી પસાર થવા છતાં પણ આંચ પણ આવવા દેતી નથી.
પૂજામાં વિવિધ ચીજો મૂકવામાં આવે છે: માવલી પૂજા દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓ એટલે કે, ખેતરમાં તૈયાર થયેલ ડાંગર તેમજ વેલા વાળા કેટલાક શાકભાજી સહિતની વસ્તુઓ પૂજન વિધિમાં મૂકવામાં આવે છે. આ પૂજા કર્યા બાદ જ પરિવારના સભ્યો આ ચીજ વસ્તુઓ આરોગી શકતા હોય છે.
રાત્રિ દરમ્યાન થાય છે માવલી પૂજા: રાત્રિ દરમ્યાન શરૂ થતી આ પૂજા ખૂબ લાંબી ચાલે છે. વર્ષો જૂના વૃદ્ધ જાણકાર લોકો તેમની પરંપરાગત વિધિ વિધાન મુજબ માવાલી પૂજા કરાવતા હોય છે. જ્યાં ગામના દરેક લોકો એકત્ર થાય છે. કેટલા નીતિ નિયમોનું પાલન કરનારા યુવાનો વૃદ્ધો અને કિશોરો વિધિ માં જોડાયા છે અને રાત્રિ દરમ્યાન કલાકો સુધી વિવિધ પ્રક્રિયા ચાલે છે. જેને જોવાનો પણ એક અલગ લ્હાવો છે. આમ સમગ્ર વર્ષ સારું સુખમય નીવડે તે માટે દરેક ગામોમાં અલગ અલગ રીતે માવલી પૂજાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: