સુરત: કામરેજનાં ખોલવડમાં ધંધામાં નુકસાન થવાની અદાવતમાં ટ્રાવેલ્સનાં માલિકે યુવકને લોખંડનાં પાઇપ વડે માર મારી હત્યા કરવાની ધમકી આપવાનાં મામલે કામરેજ પોલીસ મથકે ચાર ઇસમો વિરૂધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.
શું હતી ઘટના:
પ્રાપ્ત માહિતી અનુસાર યાજ્ઞીક પ્રવિણભાઇ મિત્રની મારૂતીનંદન ટ્રાવેલ્સમાં પેસેન્જર બેસાડી કમિશન લેતા હોવાનો ધંધો કરી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે યાજ્ઞીકભાઇ પોતાના રોજીંદા નિત્યક્રમ અનુસાર સાંજે ટ્રાવેલ્સની બસમાં બેસી જઇ વાલક પાટીયા નજીક પેસેન્જરને બસમાં બેસાડી રહ્યા હતા. જે દરમ્યાન જેમની પાસે એક ઇસમ આવી જણાવેલ કે હું ચિત્રકુટ ટ્રાવેલ્સનો માલિક છુ. મારૂ નામ મહેશ બેલડીયા હોવાનું કહી જણાવેલ કે તું કોણ છે અને આ રીતે આવનાર પેસેન્જરને કેમ મારૂતી નંદન ટ્રાવેલ્સની બસમાં બેસાડે છે નું જણાવતા યાજ્ઞીકભાઇએ તે ઇસમને જણાવેલ કે મારા મિત્ર યોવનભાઈની માલીકીની આ ટ્રાવેલ્સ છે. જે મને પેસેન્જર લાવવા બદલ કમિશન આપતા હોવાનું જણાવ્યુ હતુ.
જોકે ત્યાર બાદ યાજ્ઞીક ભાઇ બસમાં બેસી અન્ય પેસેન્જર ભરવા માટે ખોલવડ ગામની સીમમાં આવેલ યુસુફકાળા પેટ્રોલપંપ નજીક જવા માટે નિકળી ગયા હતા. ત્યારે ઉપરોકત ચિત્રકુટ ટ્રાવેલ્સનાં માલીક સહિત અન્ય ત્રણ ઇસમ મળી કુલ ચાર ઇસમો યાજ્ઞીક ભાઇ પાસે આવી જણાવેલ કે તારા કારણે અમારી ચિત્રકુટ બસને પેસેન્જર મળતા નથી અને અમારા ધંધાને નુકશાન થાય છે. તુ ખોટી રીતે બસમાં પેસેન્જર બેસાડે છે. અને અમારી બસમાં વધારે પેસન્જર બેસતા નથી હોવાનું જણાવી તમામ ઇસમો દ્વારા યાજ્ઞીક ભાઇને લાકડી તેમજ પાઇપ વડે મારમારી લોહીલુહાણ કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ યાજ્ઞીક ભાઇને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાજ્ઞીકભાઇએ સમગ્ર ઘટનાં અંગે કામરાજ પોલીસ મથકે ફરીયાદ આપી હતી.
કામરેજ પોલીસ મથકના ASI મનોજભાઈએ જણાવ્યું હતું કે હાલ પોલીસે (૧) મુકેશ બેલડીયા (૨)મહેશ બેલડીયા (૩)મહાવીર ચુડાસમા (૪) અજાણ્યા ઇસમ વિરૂધ ૩૨૩, ૩૨૪, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.