ગાંધીનગર: રાજ્યમાં છેલ્લાં થોડા દિવસથી લગભગ તમામ સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલીનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે શ્રમ વિભાગમાં વર્ગ-1ના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં શ્રમ આયુક્ત કચેરીમાં કાર્યરત જી.એમ.ભૂટકાની વલસાડ મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં બદલી કરવામાં આવી છે. વલસાડમાં મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં કાર્યરત જે.આર.જાડેજાને મોરબી શ્રમ આયુક્ત કચેરીમાં ટ્રાન્સફર કરાયા છે. આ ઉપરાંત ગાંધીનગર વડી કચેરીમાં કાર્યરત એસ.એસ.મેકવાનની રાજકોટની નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં બદલી કરવામાં આવી છે અને અમદાવાદમાં નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં કાર્યરત આર.ડી.પટેલની અમદાવાદમાં જ રિજિયન પ્રોજેક્ટ ઓફિસર વર્ગ 1 ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડમાં બદલી કરવામાં આવી છે. તમામ અધિકારીઓને બદલીના સ્થળે તાત્કાલીક હાજર થઈને સંબંધીત વિભાગને જાણ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જી.એમ.ભૂટકા અને જે.આર.જાડેજાને સ્વ વિનંતી બદલ બદલી આપવામાં આવી છે.
રાજ્યના શ્રમ વિભાગે ગત 1 ફેબ્રુઆરીના રોજ આ અંગેનો પરિપત્ર બહાર પાડીને અધિકારીઓને બદલી સંબંધીત સ્થળ, સંભાળવાનો ચાર્જ સહિતની લેખિત આદેશ આપ્યો છે. જે અંતર્ગત જી.એમ. ભૂટકા, મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1, વલસાડ તરીકે બદલી થતાં જે.આર. જાડેજાને સોંપાયેલ મદદનીશ શ્રમ આયુક્ત નવસારીની ખાલી જગ્યાનો વધારાનો હવાલો તેમને સંભાળવાનો રહેશે. એસ.એસ.મેકવાન (મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1)ની રાજકોટ ખાતે બદલીથી નિમણૂંક થતાં તેઓએ શ્રી ભૂટકાનાને સોંપાયેલ વધારાના હવાલા વાળી નાયબ શ્રમ આયુક્ત વર્ગ-1 રાજકોટની ખાલી જગ્યાઓનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. કે.બી.પરમાર (મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1 વડી કચેરી-ગાંધીનગર)ને ગાંધીનગર મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ ખાતેની વહીવટી અધિકારીઓની જગ્યાનો વધારાનો હવાલો તેઓની હાલની ફરજો ઉપરાંત સંભાળવાનો રહેશે. જ્યારે આર.ડી.પટેલ (મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1ની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ અમદાવાદ) ખાતે નિમણૂંક થતાં તેઓએ વડી કચેરી અમદાવાદની તેઓની ખાલી પડેલી મૂળ જગ્યાનો વધારોનો હવાલો સંભાળવાનો રહેશે.