છોટાઉદેપુર : માનવ જીવનમાં મહત્વના ત્રણ સંસ્કાર હોય છે, જન્મ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર. આ ત્રણ સંસ્કારોમાં જન્મ અને લગ્ન સંસ્કાર ખુશીનો પ્રસંગ છે, જ્યારે મૃત્યુ સંસ્કાર એ દુઃખદ પ્રસંગ છે. જોકે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં એક અનોખી પરંપરા છે. અહીં મંગલ પ્રસંગ જેમ કોઈના મૃત્યુ પર શરણાઈના સૂર રેલાય છે.
અંતિમ સંસ્કારની અનોખી પરંપરા : છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિએ 100 વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવ્યું હોય અને સમાજ માટે સારું કામ કર્યું હોય, એવા વ્યક્તિનું જો મૃત્યુ થાય તો મંગલ પ્રસંગની જેમ ઢોલ, માંદલ, દ્દુદુડી અને શરણાઈના સૂર સાથે નાચતા કૂદતા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
શરણાઈના સૂરે અંતિમ સંસ્કાર : આવા જ એક અંતિમ સંસ્કાર કવાંટ તાલુકાના રેંણદી ગામમાં કરવામાં આવ્યા છે. કવાંટ તાલુકાના કાનાબેડા ગામની પ્રાથમિક શાળામાં ગૃપાચાર્ય તરીકે ફરજ બજાવતા રેંણદી ગામના પરસુભાઈ રાઠવાના પિતા રજૂભાઈ રાઠવાનું 100 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેમના સારા જીવનની ખુશીમાં એક મંગલ પ્રસંગની જેમ જ ઢોલ, માંદલ શરણાઈના સુર સાથે વાજતે ગાજતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ ક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વજોની ખત્રી દેવ રૂપે સ્થાપના : સૃષ્ટિ પર જન્મેલા દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. આદિવાસી સમાજમાં એક એવી પણ માન્યતા રહી છે કે, આદિવાસીઓ પોતાના પૂર્વજોને સ્વર્ગ નહીં મોકલતા, પોતાના ઘરના વાડામાં ખત્રી દેવના સ્વરૂપે, દેવ તરીકે સ્થાન આપે છે. સાથે જ વારે તહેવારે તેમની પૂજા વિધિ કરે છે. પૂર્વજોના આશીર્વાદ સતત મળી રહે તેવી માન્યતા સાથે પૂર્વજોને ખત્રી દેવ તરીકે સ્થાન આપવામાં આવે છે.
રેણદી ગામનો કિસ્સો : રેંણદી ગામના રજૂ રાઠવા 100 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી પ્રકૃતિમાં વિલીન થયા હતા. તેમના પરિવારને દુઃખ તો થયું છે, પરંતુ તેમના અંતિમ સંસ્કાર એક મંગલ પ્રસંગની જેમ ઉજવવાની તેમની અંતિમ ઈચ્છા પણ પરિવારજનોએ પૂર્ણ કરી છે. ત્યારે રજૂ રાઠવાના પવિત્ર આત્માને શાંતિ મળે તે માટે પરિવારજનોએ ખત્રી દેવ તરીકેનું સ્થાન પણ આપ્યું છે.
કોને મળે છે આ સન્માન ? આ અંગે સામાજિક કાર્યકર્તા અને શિક્ષક શનાભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને આદિવાસી સમાજમાં જે વડીલે 100 વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું હોય અને સમાજમાં નામના મેળવી હોય એવા બુઝર્ગ વડીલનું અવસાન થાય તો દુઃખ થાય છે. પણ અમારા આદિવાસી સમાજની પરંપરા રહી છે, એટલે રેણદી ગામના રજૂભાઈ રાઠવાનું અવસાન થતાં લગ્ન પ્રસંગની જેમ જ ઢોલ માંદલ વગાડી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.