રાજકોટ: શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનુ વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી લેવામાં આવેલા નમુના લેબોરેટરી ટેસ્ટિંગમાં અખાદ્ય જાહેર થતા ફુડને લગતા કેસો અધિક કલેક્ટર ચેતન ગાંધીની કોર્ટમાં કેસ ચાલી જતા વેપારીઓ અને તેની પેઢીના માલિકોને રૂપિયા 11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અખાદ્ય પનીર, ઘી, દુધ અને ટુટીફ્રુટી ભેળસેળ હોવાનુ લેબોરેટરી ટેસ્ટિંગમાં ખુલ્યું હતું. જે અંગે અધિક કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, "દાણાપીઠમાં આવેલી વોલ્ગા કોર્પોરેશનમાંથી અગાઉ ઘી નો નમુનો લેવામાં આવ્યો હતો જેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે તેમના ઘીનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં અધિક કલેકટરની કોર્ટમાં માલિક નયનદીપની પેઢીને રૂ. 2.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.જયારે 15 કિલોના અખાદ્ય ઘી ના 12 ટીન મળી આવ્યા હતા, જેમાં ભુવનેશ દિપક ચંદ્રાણીને રૂ. 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
3 મોટા વેપારી સામે કાર્યવાહી: નિર્લોશ એન્ટરપ્રાઇઝને રૂ. 1.50 લાખ, ઉજ્જવલસિંહ રાજપૂતને રૂ. 1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસ પણ ઘી ના 500 ML ના ઘી ના 384 પાઉચ કબ્જે કરવામા આવ્યા હતા. જેથી તેના માલિક તરઘડીના ધમલપરના મુકેશ શિવલાલભાઈ નથવાણીને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની જ બીજી પ્રોડક્ટ "કુંજ કાઉ ઘી" માંથી 15 કિલોના 10 ડબ્બા મળી આવતા નમૂના લેબમાં મોકલાયા હતા. જેમાં પણ ભેળસેળ ખુલતા રૂ. 1 લાખનો દંડ કરવામા આવ્યો છે.
કલેકટરની કોર્ટમાં આકરો દંડ: રાજકોટમા ટુટીફ્રુટીનુ વેચાણ કરતા ધ્રુમિલ અરુણભાઈ કારીયાને રૂ. 10,000, આ ઉપરાંત ઉમરાળીના પ્રવીણ દેવશી ભૂંડીયા પાસેથી 160 લિટર મિક્સ વેજીટેબલ ઓઇલ મળી આવતા રૂપિયા 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ખટાણા દેવાયતભાઈ પાસેથી પનીરમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ સામે આવી છે. પનીરનો નમૂનો લેબ ટેસ્ટિંગ બાદ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા 50 કિલો પનીરમાં રૂ. 25,000 તો 30 કિલો પનીર અખાદ્ય હોવા બદલ રૂ. 20,000 નો દંડ કરવામા આવ્યો છે. લોકોને અખાદ્ય ઘી નુ વેંચાણ કરી તેમના આરોગ્ય સાથે ચેડા કરતાં અધિક કલેકટરની કોર્ટમાં આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે કોઠારિયા રોડ ઉપર 30 લિટર દૂધમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ સામે આવતા ભરત મનુ ભુવા અને પ્રતિક વિનુ વસાણીને રૂ. 10 - 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.