સુરત: આજ રોજ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ની વાર્ષિક સાઘારણ સભા (એજીએમ) 2024 સુરત ખાતે યોજાઈ હતી. જેમાં એસોસિયેશનના પ્રમુખ તરીકે પ્રમોદ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેઓ 2024-28ની કારોબારીમાં ફરી એક વાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
બિનહરીફ ચૂંટાયેલા અન્ય સદસ્યોન યાદી:
- વાઇસ પ્રેસિડેન્ટ નિશિથ મહેતા (ભાવનગર)
- વાઇસ પ્રેસિડેન્ટ જયાબહેન ઠક્કર (વડોદરા)
- વાઇસ પ્રેસિડેન્ટ કાંતિભાઈ ભુવા (આણંદ)
- વાઇસ પ્રેસિડેન્ટ તુલસી સુજાન (કચ્છ)
- વાઇસ પ્રેસિડેન્ટ હર્ષદ પંચાલ (અમદાવાદ)
- વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. જીગર ત્રિવેદી (વલસાડ)
- માનદ સેક્રેટરી હરિ પિલ્લાઈ (કચ્છ)
- માનદ ખજાનચી રૂજુલ પટેલ (અરાવલ્લી)
- સિનિયર જોઇન્ટ સેક્રેટરી કલ્પેશ ઠક્કર (વડોદરા)
- જોઇન્ટ સેક્રેટરી હીરેન મહેતા (રાજકોટ)
- જોઇન્ટ સેક્રેટરી દિવ્યાબહેન પંડ્યા (ગાંધીનગર)
- જોઇન્ટ સેક્રેટરી વિક્રમસિંહ જાડેજા (જામનગર)
આ દરમિયાન એજીએમમાં પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જાહેરાત કરી હતી કે, 'ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)એ ત્રણ નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જીએસટીટીએને ફાળવી છે. ગુજરાત આ વખતે 86મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2024, 86મી કેડેટ અને સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2024 અને પેરા નેશનલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ તમામ ટુર્નામેન્ટની વિગતો નજીકના ભવિષ્યમાં જાહેર થશે.'
તાજેતરમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સમાં બે ગુજરાતી ખેલાડીઓએ ભાગ લીધો ત્યાર બાદ જીએસટીટીએએ પાયાના સ્તરથી ખેલાડીના સંવર્ધન અને સપોર્ટ માટે પોતાના પ્લાન જારી કર્યા હતા.
“અમે પસંદગી, ટેકનિકલ, વેટરન્સ, શિસ્ત, પેરા, મીડિયા, કોચિંગ, ફાઇનાન્સ જેવી પેટા સમિતિની રચના કરી છે. જે અમને તમામ સ્તરે રમતના વિકાસના માર્ગ પર આગળ ધપવામાં મદદ કરશે. મોખરાના આઠ ક્રમાંકિત ખેલાડીઓ માટે ઇનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટ પણ યોજાશે. લગભગ 20 વર્ષ બાદ રાજ્યમાં આ પ્રકારની ટુર્નામેન્ટ યોજાશે. સબ જુનિયર બોયઝ અને ગર્લ્સ (અંડર-15) કેટેગરીમાં આ વર્ષે કચ્છ જિલ્લા ટીટી એસોસિયેશન દ્વારા ગાંધીધામમાં ટુર્નામેન્ટ યોજાશે જ્યારે અમદાવાદમાં ટીટીએએ દ્વારા સિનિયર્સ માટેની ટુર્નામેન્ટ યોજાશે.” કુશલ સંગતાણીના સ્થાને આવેલા નવા ચૂંટાયેલા સેક્રેટરી હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું.
ઉપરાંત આ દરમિયાન એવો નિર્ણય પણ લેવાયો હતો કે, ગાંધીધામમાં 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે.
“2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને જીએસટીટીએ અંડર-9 ખેલાડીઓની શોધ કરશે અને તેમને તમામ જરૂરી સહયોગ આપશે તથા ગ્રામ્ય વિસ્તારમાં ટેબલ ટેનિસના વિકાસ માટે વિવિધ જિલ્લા એસોસિયેશનને મદદ કરશે.” પ્રમુખ ચૌધરીએ જાહેરાત કરી હતી.