રાજકોટ: એઈમ્સના લોકાર્પણને લઈને આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટમાં મનસુખ માંડવીયાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછી હતી. રાઘવજી પટેલ હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારબાદ મનસુખ માંડવડીયા રાજકોટ એઈમ્સ ખાતે પહોંચ્યા હતા અને એઇમ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે રાજકોટમાંથી આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં વિકાસના કામનો પીએમ મોદી લોકાર્પણ કરવાના હોય જેને લઇને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાતે હાજર રાખવામાં આવ્યા છે.
પીએમ મોદી રાજકોટથી દેશની પાંચ અલગ અલગ એઇમ્સનું લોકાર્પણ કરવાના છે. દેશની આઝાદીના 65 વર્ષ દરમિયાન માત્ર દેશમાં સાત જ એઇમ્સ હતી. પરંતુ એક સપ્તાહની અંદર મોદીએ હરિયાણાના રેવાડીમાં એઈમ્સનો શિલાયન્સ કર્યો છે. જ્યારે જમ્મુની અંદર એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એક સાથે દેશમાં પાંચ એઇમ્સ જેમાં રાજકોટ, આંધ્રપ્રદેશ પંજાબમાં ભટિંડા, ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને પશ્ચિમ બંગાળમાં કલ્યાણી એઇમ્સનું લોકાર્પણ કરવાના છે. દેશમાં હેલ્થ સુવિધા સસ્તી અને સારી મળે તે માટે પીએમ મોદી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. - મનસુખ માંડવીયા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી
આરોગ્યના 200 કરતા વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાત મુહુર્ત: મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતેથી આરોગ્ય ક્ષેત્રના 11 હજાર કરોડથી વધુના 200થી વધારે અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ અને પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. જે આગામી દિવસોમાં દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરશે. જ્યારે રાજકોટ એઇમ્સની વાત કરવામાં આવે તો રાજકોટ એઇમ્સ આજથી અલગ અલગ પ્રકારના 14 ડિપાર્ટમેન્ટ શરૂ થઈ જશે. જ્યારે પાંચ ડિપાર્ટમેન્ટ હાલમાં અહી શરૂ જ છે. તેમજ અહી દરરોજ 700 થી 800 દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કોઈએ સારવાર માટે દિલ્હીમાં જવાની જરૂર રહેશે નહીં. રાજકોટમાં જ તમામ પ્રકારની સારવાર દર્દીઓને મળી રહેશે.