સુરત: આજરોજ સુરત સિટી ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ રહી છે. આયોજિત આ તિરંગા રેલીમાં કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલ સહિતના નેતાઓ પણ જોડાશે, ત્યારે તિરંગા રેલીને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બહોળી સંખ્યામાં લોકો આ તિરંગા રેલીમાં જોડાશે. સુરતમાં આયોજિત aa તિરંગા રેલીને લઈને પોલીસ ખડેપગે રહેશે.
અવસરમાં સહભાગી થવા સુરતવાસીઓને અપીલ: લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા સંદર્ભે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉધના ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મીડિયાના માધ્યમથી રાષ્ટ્રભક્તિના રંગમાં રંગતા આ અનોખા અવસરમાં સહભાગી થવા સુરતવાસીઓને અપીલ કરી હતી.
2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાંઓ અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઇ રહી છે, ત્યારે સુરત ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આવતીકાલે સાંજે 6:00 વાગે પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.'