નર્મદા: આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોય તે પહેલા જ આકાશમાં પતંગો ચગવાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પતંગ તો ચગાવતા જ હોય છે. તેથી તેમાં વપરાતી દોરીથી ઘણી વખત પક્ષીઓની સાથે સાથે વાહનચાલકો અને રાહદારીઓ પણ ઘાયલ થતા હોય છે. ત્યારે લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે રાજપીપળાના નીરજ પટેલ નામના યુવાને પોતાનો કામધંધો મૂકીને એક અનોખી ઝુંબેશ હાથ ધરી છે.
સેવાભાવી યુવાનનું સરાહનીય કાર્ય: રાજપીપળાના નીરજ પટેલે લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે 1500થી વધારે બાઇક અને સ્કુટરોમાં સેફ્ટી ગાર્ડ ફ્રિમાં લગાવી આપવાનું સરાહનીય કાર્ય હાથ ધર્યુ છે. લોકો પાસેથી કોઇ પણ પૈસા લીધા વિના આ યુવાને ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે આ બાબતે નીરજ પટેલે જણાવ્યું કે, ગત વર્ષ તેમનો ખાસ મિત્ર પતંગની દોરીથી તેનું ગળું કપાઇ જવાથી તેનું મોત થયું હતું. જેના લીધે તે ખૂબ જ દુ:ખી થયા હતા. ત્યારે આ વર્ષે ઉતરાયણ આવતી હોય જેમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાઇ જવાના કિસ્સાઓ બની રહ્યા છે. એટલે આવા તારના સેફ્ટી ગાર્ડથી રક્ષણ મળે છે. જેથી તેમણે જાતે લગાવીને જોયું. પછી લોકો માટે આ ઉમદા કાર્ય શરુ કર્યું.
1500 સેફ્ટી ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ: વધુમાં નીરજ પટેલે જણાવ્યું કે, લોકો સેફ્ટી માટે ખર્ચ નહી કરે તો તેમનો જીવ જોખમાશે. તેના કરતા પોતાનું ધ્યાન રાખવા માટે ઉતરાયણ પર્વે સેફ્ટી સ્ટેન્ડ લગાવવું જોઈએ. એટલે બાઇક અને સ્કૂટર આગળ જાડા તારની એંગલ બનાવી ફ્રીમાં લોકોના બાઇક પર લગાવી આપીએ છીએ. જો કે બજારમાં આ તારની કિંમત 100થી 150 રુપિયામાં આ તાર ફિટ થઇ શકે પણ કોણ કરાવે. ત્યારે આ અંગે એક જાગૃતિ આવે અને લોકોના જીવ બચે માટે એટલે અમને એક સંતોષ થાય કે અમે લોકોના સ્નેહીજનો, મિત્રોનો જીવ બચાવ્યો. આજે અમારો 1500 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે. જે અમે જાતે લગાવીએ છીએ.
લોકોને સુરક્ષા જાળવવા અપીલ: નીરજ પટેલ જેવા સેવાભાવી યુવાને 2 દિવસમાં જ 700 જેટલા ગાર્ડ્સ લગાવીને લોકોના જીવ બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. ત્યારે ETV BHARAT પણ લોકોને અપીલ કરે છે કે, ઉતરાયણ પર્વ પર આવા સેફ્ટી ગાર્ડ્સ લગાવીને પોતાના જીવનું રક્ષણ કરો અને ચાઇનીઝ દોરીથી ગળા કપાઇ જાય છે તેનો ઉપયોગ પણ ન કરો.
આ પણ વાંચો: