રાજકોટ: આમ તો કોઈપણ પ્રકારની કળા એ એક કોમ્યુનિકેશનનું માધ્યમ જ હોય છે. કોઈ એ કળાનો ઉપયોગ એક્ટીવિઝ્મ માટે કરે છે તો કોઈ બિઝનેસ વધારવા માટે, આવું જ કંઈક કર્યું રાજકોટ સ્થિત નેઈલ આર્ટિસ્ટ જાસ્મીન રાઓલે, જે પોતાનો નેઈલ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. જાસ્મીને રાજકીય પક્ષોનાં ચૂંટણી ચિહ્નવાળા નખ તેનાં ગ્રાહકો માટે રજુ કર્યા. કોઈ પક્ષની વિચારધારાને અનુસર્યા વગર સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી જાસ્મીને આ ચૂંટણીની મોસમમાં લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનાં હેતુથી આ રાજકીય પક્ષનાં ચૂંટણી ચિહ્નોવાળા નખ બજારમાં મુક્યા અને તેને સારો રિસ્પોન્સ મળી રહ્યાનું પણ જાસ્મીને ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકીય પક્ષોનાં ચિહ્નવાળા નખો: આ રાજકીય પક્ષોનાં ચિહ્નવાળા નખોમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી (આપ)નું ચૂંટણી ચિહ્ન ઝાડુ, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કમળનું ફૂલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન પંજો આ બધા જાસ્મીન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે તદુંપરાંગ વોટ ફોર ઈન્ડિયાની અપીલ કરતો નખ પણ જાસ્મીને ડિઝાઇન કર્યો છે. આ સમગ્ર 10 નખોનો સેટ જાસ્મીન તેમનાં ગ્રાહકોની ડિમાન્ડ મુજબ કોઈ ચોક્કસ પક્ષનાં ચૂંટણી ચિહ્ન સાથે પણ બનાવી આપે છે અથવા તો ગ્રાહકો જેમ કહે તેમ પણ બનાવી આપે છે, જેની 10 નખનાં સેટની કિંમત અંદાજે 2500 રૂપિયા છે.
ડિઝાઈનર નેઈલ્સની ડિમાન્ડ વધી: આ અગાઉ જાસ્મીને રામમંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભગવાન શ્રી રામ તેમજ રામમંદિરની આબેહુબ આકૃતિ નેઈલ આર્ટમાં કંડારી હતી અને એ સમયે પણ તેનાં દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા રામ-મંદિર સિરીઝ ડિઝાઈનર નેઈલ્સની પણ ખુબજ ડિમાન્ડ વધી હતી. આવા સમયે રાજકીય પક્ષો ઓપ્ટિક્સ બિલ્ડ કરવાનાં હેતુથી તેમનાં ચૂંટણી ચિહ્નો થકી મીડિયા કે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર મજબૂત રીતે આગળ ધપાવી રહ્યા હોય છે અને મતદાતાઓનાં જનમાનસ પર તેમનું રાજકીય ચૂંટણી ચિહ્ન છાપી દેવા કોઈ કસર છોડતા નથી. તેઓ સંપૂર્ણપણે પ્રચાર-પ્રસારની મળતી કોઈ જગ્યા છોડવા માંગતા નથી અને જનમાસ પર છવાઈ જવા માંગે છે ત્યારે જાસ્મીન જેવા નેઈલ આર્ટીસ્ટ પણ આવા સમયકાળમાં તેની ક્રિએટિવિટી થકી ફ્લેવર ઓફ ધ સીઝન કે ફ્લેવર ઓફ ધ ડે રૂપે રજુ કરતી આવી તેમની નેઈલ આર્ટની કલા થકી કોઈ પક્ષ કે વિચારધારાને નહિ પણ મતદાન મજબૂત કરવાનાં ઈરાદા સાથે તેમની સામાજીક ફરજ નિભાવવાની સાથે તેમની વ્યવસાયિક બાજુ પણ મજબૂત કરતા જોવા મળે છે.