ભાવનગર : રાજ્યભરમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યા છે. જેમાં સિહોર, ગારીયાધાર અને ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થવાને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતો સારા વરસાદની આશા રાખી બેઠા છે.
ભાવનગર જિલ્લામાં મેઘમહેર : ભાવનગર શહેરમાં બપોર બાદ પશ્ચિમ વિસ્તારમાં સારા એવા વરસાદી ઝાપટાએ રસ્તા પર પાણી વહેતા કરી દીધા હતા. જોકે શહેરનો મોટાભાગનો વિસ્તાર કોરોધાકડ રહ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. હાલમાં પણ સિહોર અને ગારીયાધાર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે કેટલાક તાલુકામાં વરસાદ નહિવત નોંધાતા ખેડૂતો વધુ વરસાદની આશા રાખીને બેઠા છે.
જિલ્લામાં કુલ 58.1 mm વરસાદ : ભાવનગર શહેર સાથે જિલ્લામાં તમામ તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે. જેમાં સિહોર અને ગારીયાધારમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે સિહોરમાં 28 mm અને ગારીયાધારમાં 28 mm વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકા નીલ રહેવા પામ્યા છે. હાલ ચોમાસાની સિઝનમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કુલ 58.1 mm વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 155 mm વરસાદ ગારીયાધાર અને સૌથી ઓછો 12 mm વરસાદ મહુવામાં નોંધાયો છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જિલ્લાના પાંચ ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડીયા, પરવડી, સુખપર, નવાગામ, વિરડી, સરંભડા, ખોડવદરી, બેલા, લુવારા, નાની વાવડી, ઠાસા, રૂપાવટી, મેસણકા, ભંડારીયા, પચ્છેગામ અને મોટા ચારોળીયા જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે.