જૂનાગઢ : જૂનાગઢ પોલીસમાં અક્ષર જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા 90 લાખ કરતા વધુ કિંમતના સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે આજે જ્વેલર્સમાં કામ કરતાં મેનેજર સહિત અન્ય બે યુવકની અટકાયત કરી છે. સાથે જ 25 લાખ કરતા વધુના સોના અને રોકડને કબજે કર્યા છે.
લાખોની કિંમતના સોનાની ચોરી : જૂનાગઢમાં અક્ષર જ્વેલર્સ નામની એક સોનાની પેઢી કાર્યરત છે, જેના માલિક સુનીલ રાજપરા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસાર તેમની પેઢીમાંથી અંદાજે 90 લાખ કરતા વધુ કિંમતના સોનાની ચોરી થઈ હતી. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે અક્ષર જ્વેલર્સમાં મેનેજર તરીકે કામ કરતા મયુર વાઘેલાએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનો દાવો ફરિયાદમાં કર્યો છે.
ત્રણ આરોપી ઝડપાયા : આ અંગે પોલીસમાં કેફિયત આપતા પોલીસે સુનિલ રાજપરાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. આજે પોલીસે મેનેજર મયુર વાઘેલા સહિત કલ્પેશ નકુમ અને ભૂમિત પરમાર નામના અન્ય બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ પકડમાં રહેલા મયુર વાઘેલા, કલ્પેશ નકુમ અને ભૂમિત પરમાર પાસેથી 25 લાખ 76 હજારની કિંમતનું 24 કેરેટ કાચું સોનું અને 4.50 લાખ રોકડ પણ મળી આવી છે.
પોલીસ તપાસ : અક્ષર જ્વેલર્સના માલિકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફેબ્રુઆરી મહિનાથી લઈને મે મહિના સુધીમાં તેમની સોનાની પેઢીમાંથી 91 લાખના 24 કેરેટના કાચા સોનાની ચોરી થઈ હતી. જે પૈકી 25 લાખ કરતા વધારેનું સોનું આજે પોલીસે પકડી પાડયું છે. હજુ 60 લાખ કરતા વધુ કિંમતનું સોનુ પકડવાનું બાકી છે. પોલીસે સમગ્ર મામલામાં ત્રણેય આરોપીની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. બાકી રહેતું સોનુ કઈ જગ્યાએ રાખ્યું છે કે અન્ય કોઈ વ્યક્તિને વેંચી નાખ્યું છે, તેના પરથી પણ આગામી દિવસોમાં કોઈ ખુલાસો થશે.