જૂનાગઢ: જિલ્લાના મેંદરડામાં થયેલી અનોખી લુટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મેંદરડામાં સોના ચાંદી હીરા ઝવેરાત રોકડ કે અન્ય ચીજ વસ્તુઓની નહીં પરંતુ 36 કિલો વાળની લુટ થઈ હતી. તમામ મુદ્દા માલ સાથે કોડીનારના ત્રણ આરોપીને ઝડપી પાડીને ગણતરીની કલાકોમાં અનોખી લુટનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મેંદરડામાં થઈ 36 કિલો વાળની લુટ: જુનાગઢ જિલ્લાના મેંદરડામાં સોના ચાંદી હિરા ઝવેરાત રોકડ કે કોઈ કીમતી ચીજ વસ્તુઓની નહીં, પરંતુ 36 કિલો વાળની લૂંટની ઘટના સામે આવી હતી. ફરિયાદી બાલુભાઇ વાઘેલા દ્વારા જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના જામકા ચોકડીથી મોટી ખોડીયાર વચ્ચે ઈકો ગાડીમાં આવેલા ત્રણ યુવાનો દ્વારા તેમની પાસે રહેલા 36 કિલો વાળ અને બાઇકની લુટ ચલાવીને ફરાર થઈ જતા સમગ્ર મામલો મેંદરડા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને લૂંટનો ભેદ ઉકેલવાની દિશામાં કામગીરી શરૂ કરી હતી, જેને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી અને ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
વાળની લૂંટની જીલ્લાની પ્રથમ ઘટના: જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં વાળની લૂંટની આ પ્રથમ ઘટના હશે. વાળના વ્યવસાય સાથે સંકળાયેલા બાલુભાઇ વાઘેલા ચલાલાથી પોતાની મોટરસાયકલમાં મેંદરડા તરફ આવી રહ્યો હતો, ત્યારે વાળના ધંધાર્થી અને મુખ્ય આરોપી કોડીનારના આસિફ દલની સાથે તેના બે અન્ય સાગ્રીત સફીર સોલંકી અને દિનેશ સોલંકી ફરિયાદી બાલુભાઇ વાઘેલા ને માર્ગ પર આંતરીને છરી બતાવીને તેની પાસે રહેલા 36 કિલો વાળ કે જેની બજાર કિંમત ₹1,40,000 ની આસપાસ થવા જાય છે. તેની સાથે બાલુભાઇની બાઇકની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડીને જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વાળની લૂંટના ગુનાનો ભેદ ઉકેલિ નાખ્યો છે.