રાજકોટ: મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા છેલ્લાં બે સપ્તાહથી શહેરના જુદા-જુદા વોર્ડમાં 'મેયર તમારે દ્વાર' નામથી લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત આજે પણ શહેરના વોર્ડ નં. 11 માં પણ લોકદરબાર યોજાયો હતો, જેમાં કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ સફાઈ સહિતના વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસ આગેવાને મનપાની પોલ છત્તી કરી: કોંગ્રેસ આગેવાન નયનાબાએ કહ્યું હતું કે, પ્રી-મોન્સૂનના નામે કઈ કામ થયું નથી. જે વાત સતાધીશોને ગમી ન હતી . નયનાબાએ લોકદરબારમાં જણાવ્યું હતું કે, જડ્ડુઝ રેસ્ટોરન્ટ પાસે જોઈ આવો. કચરો સાફ કરનારા કચરો સાફ કરી ત્યાં જ નાખી દે છે. ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. શાક માર્કેટ ભરાય છે ત્યાં પણ કોઈ સફાઇની વ્યવસ્થા નથી. મવડીને તમે RMCમાં ભેળવ્યું છે ત્યાં કોઈ એનો રેકોર્ડ આપતા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ રેકોર્ડ માગવામાં આવે છે તો કોઈ આપતું નથી. જેથી લોકદરબાર સત્તાધીશો અકળાયા હતા.
નયનાબાએ સવાલો કરીને હોબાળો કર્યો: નયનાબા જાડેજાએ લોકદરબારમાં રોડ-રસ્તાની ખરાબ હાલત તેમજ સફાઈ સહિતના પ્રશ્ને સવાલો કરી હોબાળો કર્યો હતો. એને પગલે થોડીવાર માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ચૂપી સાધી હતી. સમગ્ર મામલે નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મનપા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે પણ પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ને રજૂઆત કરી હતી. એમાં રોડ-રસ્તા, સફાઈ અને પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. એમાં મેયરના બદલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા.