કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ કે જે દેશ વિદેશના પ્રવાસીઓને તો આકર્ષે જ છે સાથે સાથે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ ખૂબ આકર્ષી રહ્યું છે. હિન્દી, ગુજરાતી, મરાઠી ફિલ્મોનું તેમજ આલ્બમ સોંગનું શૂટિંગ કચ્છના સફેદ રણમાં થઈ રહ્યું છે તો લોકો પોતાનું પ્રી વેડિંગનું શૂટ પણ ચમકતા સફેદ રણમાં કરાવી રહ્યા છે. તો શા માટે કચ્છનું સફેદ રણ ફિલ્મોના શૂટિંગ માટે પસંદ કરવામાં આવી રહ્યું છે એ અંગે 30 વર્ષથી નાટ્ય ક્ષેત્રે તેમજ ફિલ્મ અને કલાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ભુજના નયન રાણાએ ETV ભારત સાથે કરી હતી ખાસ વાતચીત.
કઈ ફિલ્મોનું શુટિંગ કચ્છના રણમાં થયું છે ?
કચ્છમાં શૂટ કરવામાં આવેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો રેફ્યુજી,હમ દિલ દે ચૂકે સનમ, ગોલીયો કી રાસલીલા રામ લીલા, લગાન, મોહેંજો દડો , ગોરી તેરે પ્યાર મે, ધ ગુડ રોડ, સાઉથની ફિલ્મ મગધીરા જેવી ફિલ્મોનું શૂટિંગ કચ્છના વિવિધ લોકેશનો પર થયું છે તો કચ્છના રણમાં જલ ફિલ્મ, આર. રાજકુમાર, ગુજરાતી ફિલ્મ, કચ્છ એક્સપ્રેસ તો હાલમાં જ જેકી શ્રોફની આગામી ફિલ્મ ટુ ઝીરો વન ફોર (2014) નું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.
કચ્છમાં ફિલ્મો માટે તેમજ સફેદ રણની મુલાકાતે આવેલા દિગ્ગજ કલાકારોમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, જેકી શ્રોફ, શાહિદ કપૂર, સોનાક્ષી સિન્હા, પ્રભુ દેવા, કરીના કપૂર, અભિષેક બચ્ચન,સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન , રણવીર સિંહ,દીપિકા પાદુકોણ, ઇમરાન ખાન,સાઉથની ફિલ્મોના હીરો રામચરણ, ગુજરાતી ફિલ્મોના મલ્હાર ઠાકર, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ વગેરે જેવા કલાકારો કચ્છના સફેદ રણ તેમજ અન્ય સ્થળોએ શૂટિંગ માટે આવી ચૂક્યા છે.
પ્રવાસન વિભાગ દ્વારા વેગ:
કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સુંદરતા દર વર્ષે વધી રહી છે અને ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગ દ્વારા વધુને વધુ લોકો કચ્છના સફેદ રણ તરફ આકર્ષાય અને કચ્છના સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે પ્રયત્નો કરતું હોય છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે 4 માસ માટે યોજાતા રણોત્સવ થકી સરકારને પણ આવક થાય છે તેમજ આ સફેદ રણની વિશેષતા જોઈને છેલ્લાં કેટલાક વર્ષોમાં બોલિવુડની ફિલ્મો, સાઉથની ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, શોર્ટ ફિલ્મ, આલ્બમ સોંગ માટે કલાકારો અહીં શૂટિંગ કરવા આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી દ્વારા કચ્છનું સફેદ રણ દુનિયા સમક્ષ લાવવામાં આવતું હતું જે બહુ જ સારું કામ કર્યું છે. કારણ કે રણોત્સવના કારણે તે વિસ્તારના ગામડાઓ પણ અત્યારે ખૂબ જ સુખી થઈ ગયા છે. રણમાં હિન્દી ફિલ્મોના શૂટિંગ માટે ખાસ કરીને કલાકારો અને દિગ્દર્શકો આવે છે. સફેદ રણમાં ખાસ કરીને એના માટે જ આવે છે કે આજે લોકોને આખો એક અલગ લોકેશન જોઈએ છે જે લોકોને સફેદ રણમાંથી મળે છે જેમાં ઉપર બ્લુ રંગનું આકાશ અને નીચે અનંત સુધી સફેદ રણનો નજારો. કચ્છના સફેદ રણમાં સાઉથની ફિલ્મો છે, હિન્દી ફિલ્મો છે અને ભલેને સાઉથની ફિલ્મોનું ચાર દિવસનું શૂટિંગ હોય પણ એ લોકો રણ શોધતા ગમે એમ આવી જાય છે. - નયન રાણા, ફિલ્મ અને નાટક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રિએટિવ આર્ટિસ્ટ
કચ્છમાં ફિલ્મોના શૂટિંગ માટે અનેક લોકેશન: કચ્છનું રણ વિશ્વ પ્રખ્યાત થઈ ગયું છે એટલે રણમાં શૂટિંગ વધી ગયા છે. જ્યારે લોકો શૂટિંગ માટે ત્યારે કચ્છના કેટલાક ગામડાઓ છે તો કચ્છના કેટલીક જૂના બિલ્ડીંગ હોય છે એ જોઈને પણ લોકોને એક રસ જાગે છે. અહીંયા એટલા બધા સારા લોકેશન છે એટલે ધીરે ધીરે એ લોકો રણ સાથે સાથે બીજે પણ લોકેશન માટે શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓની અવરજવર વધી છે. ત્યારે સરકાર પણ ધ્યાન આપે છે કે રણ ખરાબ ના થવું ન જોઈએ એ માટે અમુક જગ્યાએ લોકોને જવા દેવામાં નથી આવતાં જેને કારણે રણનું સૌંદર્ય પણ જળવાઈ રહે છે.
રોડ ટુ હેવન પણ વિકસી રહ્યું છે: કચ્છમાં ફિલ્મ શૂટિંગ માટે કલાકારો તો ઘણા આવી ગયા છે જે કે ભલેને તે ફિલ્મ અમુક નાના સીન હોય કે પછી ગીતનું શૂટિંગ કરીને જાય છે. રણમાં પણ શૂટિંગ માટે ઘણી ફિલ્મ આવી ગઈ છે. આ ઉપરાંત હવે કચ્છનું રોડ ટુ હેવન જે પ્રખ્યાત થયું છે તે પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે અને પ્રખ્યાત પણ થઈ રહ્યું છે ત્યારે આ રોડ ટુ હેવન છે એની બંને સાઈડ પણ ખૂબ સારું રણ બની રહ્યું છે અને પાણી સુકાતા બંને સાઈડમાં ખૂબ જ સારી સફેદી ચળકી રહી છે. એટલે એ પણ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં આ વિસ્તારમાં પણ ફિલ્મોનું શૂટિંગ આવી શકે છે.