કચ્છ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના બન્ને આરોપીઓએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું જેને ગત મોડી રાત્રે પશ્ચિમ કચ્છ એલ.સી.બી. અને મુંબઈ પોલીસે ઝડપી પાડયા છે.
આરોપીઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા: આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘર પર મુંબઇમા ફાયરીંગ કરી બે શખ્સો ભાગી પશ્ચિમ કચ્છમા માતાના મઢ બાજુ આવ્યા છે એવી માહિતી મળતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી દ્વારા સયુંકત રીતે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. વધુ તપાસ માટે આરોપીઓને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે અને મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને હવાઈ માર્ગેથી મુંબઈ લઈ જવામાં આવ્યા છે.
આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે: બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 307, 34 તથા આર્મ એક્ટ કલમ 25(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કામગરી આઇજી ચિરાગ કોરડીયા તથા ડીઆઇજી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ચુડાસમાં, લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવી અને મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે.