રાજકોટ: રાજકોટના ફાડદંગ ગામે એસઓજીને બાતમી મળતા એસઓજીની ટીમે દરોડો પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. આ ડોક્ટર ધો. 8 પાસ કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો હતો. અને તેના આધારે બિમાર લોકોની સારવાર કરી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીની ટીમે આ બોગસ તબીબને ઝડપી પાડી તેની પાસેથી મેડીકલ પ્રેક્ટીસની દવાઓ અને સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
નકલી ડોક્ટર પકડાયો: રાજકોટના ફડદંગ ગામે એક શખ્સ છેલ્લા ઘણા વખતથી નકલી ડોક્ટર બની ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને દવા આપી સારવાર કરતો હતો. જેની બાતમીના આધારે એસઓજીના પીઆઈ જે.એમ. કૈલા અને તેમની ટીમે ફાડદંગ ગામે હર્ષદ ઉર્ફે કાના પ્રાગજીભાઈ ચોટલિયા ઉ.વ.34ની ધરપકડ કરી હતી. હર્ષદ પાસે મેડીકલની કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટીફિકેટ ન હતો તેમ છતાં ડોક્ટર હર્ષદ ચોટલિયા બની બેઠો હતો. અને આ બોગસ ડોક્ટર પાસે લોકો દવા લેવા જતાં હતા અને સારવાર પણ કરાવતા હતા.
10 હજારનો મુદ્દામાલ જપ્ત: પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ધો. 8 પાસ હર્ષદ પાસે કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ હતો જેથી તેને દવા અંગેની પ્રાથમિક જાણકારી હતી. તે ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. એસઓજીએ મકાનમાંથી દવાનો જથ્થો અને મેડીકલના સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે.