બનાસકાંઠા: પાલનપુરના જગાણા ગામથી એસબીપુરા અને અમદાવાદ નેશનલ હાઇવેને જોડતા ઓવરબ્રિજ પર પહેલા જ વરસાદે ખાડા પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આ ખાડાઓના કારણે વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે. જેના કારણે વાહનોને તો નુકસાન પહોંચી જ રહ્યું છે પરંતુ ખાડાઓના કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ અહીંના સ્થાનિકો અને વાહનચાલકો સેવી રહ્યા છે. એટલું જ નહીં નાના વાહન ચાલકો આ ખાડાઓના કારણે વાહન સાથે નીચે પટકાય તો તેમને ઈજાઓ પણ પહોંચે તેમ છે.
ઉડતી કાંકરીઓથી વાહનચાલકો પરેશાન: આ ઓવર બ્રિજ પરથી ગંજ તેમજ બનાસ ડેરી જતા આવતા ભારે વાહનોનો સતત ઘસારો રહે છે. એટલું જ નહીં અહીંયાથી આજુબાજુમાં શાળાઓમાં જતા બાળકો પણ અહીંયાથી જ પસાર થાય છે. કહી શકાય કે, સતત ભારે વાહનોના અવરજવરથી આ માર્ગ ઉપર આ ખાડાઓ ચોમાસામાં જોખમરૂપ બને તેવી સ્થિતિમાં છે. ખાડાઓના કારણે સતત વાહનો સાથે કાંકરીઓ અને ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. હવે ચોમાસુ બેસી રહ્યું છે, તેવામાં જો ભારે વરસાદ આવે તો આ ખાડાઓ અને પથરાયેલી કાંકરીઓ વાહનચાલકો માટેજોખમ રૂપ બને તેવી સ્થિતિ છે.
કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા સ્થાનિકની માંગ: આ ઓવરબ્રિજ પરથી પસાર થતા સ્થાનિકે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી અહીંયા આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો ચોમાસામાં આ ખાડાઓ પુરવામાં નહીં આવે તો આ અકસ્માત થવાની ભીતિ છે. શાળામાં જતા બાળકો અહીંયાથી પસાર થાય છે. વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાય જાય છે. આ અંગે જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની વાત કરી હતી. કહી શકાય કે, ખુબ જ ટૂંકા સમયમાં આ ઓવરબ્રિજ પર રોડ પર નજીવા વરસાદે જ ખાડા પડી જવાથી રોડ બિસ્માર બન્યો છે. જેના કારણે હાલ અહીંયાંથી પસાર થતા શાળાના બાળકો વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ત્યારે વધુ વરસાદ આવે તે પેહેલાં તંત્ર ખાડા પુરાવી વાહનચાલકોની મુશ્કેલીઓ દૂર કરે તે ખુબજ જરૂરી બન્યું છે.