ગાંધીનગર : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન થઈ છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, વિજાપુરથી સી. જે. ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે તમામને ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
નવ નિયુક્ત ધારાસભ્યોની શપથવિધિ : વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં 26 વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, 83 પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, 85 માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી, 108 ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ પટેલ અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.
વિધાનસભા પેટા ચૂંટણી 2024 પરિણામ : નોંધનીય છે કે, અર્જુન મોઢવાડિયા કુલ 1,33,163 મત મેળવી 1,16,808 મતની લીડ સાથે પોરબંદર વિધાનસભા બેઠક જીત્યા છે. ચિરાગ પટેલે કુલ 88,457 મત મેળવી 38,238 મતની લીડ સાથે ખંભાત બેઠક કબજે કરી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી 1,27,446 મત મેળવી 82,108 મતની લીડ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજેતા થયા હતા. ઉપરાંત સી.જે. ચાવડાએ કુલ 1,00,641 મત મેળવી 56,228 મતની લીડ સાથે વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયા છે. માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદ લાડાણીએ કુલ 82,017 મત મેળવી 31,016 મતની લીડ સાથે જીત્યા છે.